હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોનીપતમાં કુદરતનો પ્રકોપ કે બેદરકારી? કુંડલીની ચાર ફેક્ટરીઓ ભભકી ઉઠી, ૧૬ કલાકની જહેમત બાદ આગ કાબુમાં; કરોડોની કિંમતના પંખા અને કુલર બળીને ખાખ
CNG કારનું સિલિન્ડર ફાટતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું; ઉનાળાની સીઝન પહેલા જ વેપારીઓના સપના રોળાયા, પાંચ શહેરોની ફાયર ફાઇટર ટીમોએ મોરચો સંભાળ્યો

સોનીપત: હરિયાણાના સોનીપત જિલ્લામાં આવેલો કુંડલી ઔદ્યોગિક વિસ્તાર શુક્રવારે વહેલી સવારે આગની જ્વાળાઓથી ધમધમી ઉઠ્યો હતો. સેક્ટર ૫૬ ના ફેઝ ૪ માં આવેલી પંખા અને કુલર બનાવતી ચાર મોટી ફેક્ટરીઓમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં કરોડો રૂપિયાનો તૈયાર માલ અને કાચો માલ બળીને રાખ થઈ ગયો છે. અગ્નિશામક દળના જવાનોએ સતત ૧૬ કલાક સુધી પાણીનો મારો ચલાવ્યા બાદ માંડ-માંડ આગ પર કાબુ મેળવ્યો હતો.
એક વિસ્ફોટ અને ચારેબાજુ તબાહી
આગની શરૂઆત ઔદ્યોગિક એકમ નંબર ૬૨ માં થઈ હોવાનું મનાય છે. જોકે, આગ ત્યારે વધુ ભયાનક બની જ્યારે ફેક્ટરી પરિસરમાં ઉભેલી એક CNG કાર તેની ઝપેટમાં આવી ગઈ. કારનું સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતા આગની જ્વાળાઓ બાજુની ફેક્ટરી નંબર ૫૬, ૫૭ અને ૫૮ સુધી પ્રસરી ગઈ હતી. જોતજોતામાં ચારેય એકમો આગના ગોળામાં ફેરવાઈ ગયા હતા.
પાંચ શહેરોની મદદ લેવી પડી
સવારે ૪ વાગ્યે લાગેલી આ આગની તીવ્રતા એટલી વધારે હતી કે સ્થાનિક ફાયર સ્ટેશન ટૂંકું પડ્યું હતું. પરિસ્થિતિ વણસતી જોઈને તાત્કાલિક રાય, સોનીપત, પાણીપત અને બહાદુરગઢથી ફાયર ટેન્ડરો બોલાવવામાં આવ્યા હતા. અંદાજે ૧૪ થી ૧૬ ફાયર એન્જિનોની મદદથી સતત ૧૬ કલાક સુધી જવાનોએ જીવના જોખમે આગ સામે જંગ લડ્યો હતો. ફેક્ટરીમાં પેઇન્ટ, વાર્નિશ અને પ્લાસ્ટિક જેવો જ્વલનશીલ સામાન હોવાથી આગને ઓલવવામાં ભારે મુશ્કેલી પડી હતી.
સીઝન શરૂ થાય તે પહેલા જ મોટું નુકસાન
ઉનાળાની ઋતુ શરૂ થઈ રહી હોવાથી આ ફેક્ટરીઓમાં પંખા અને કુલરનો મોટો સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો હતો. ઉદ્યોગપતિ સંગઠન KIA ના જણાવ્યા અનુસાર, આ આગમાં ત્રણ યુનિટ ગગન ધૂપરના હતા જે ભાડે આપવામાં આવ્યા હતા, જ્યારે ચોથી ફેક્ટરી દીપાંશુ નામના વ્યક્તિની હતી. પેઇન્ટ અને વાર્નિશના જથ્થાને કારણે લાગેલી ગરમી એટલી તીવ્ર હતી કે ફેક્ટરીની અંદર પ્રવેશવું પણ અશક્ય બની ગયું હતું.
જિલ્લા ફાયર ઓફિસર રામેશ્વરે જવાનોની બહાદુરીના વખાણ કર્યા છે, પરંતુ આ દુર્ઘટનાએ ઔદ્યોગિક સુરક્ષા સામે ફરી એકવાર અનેક સવાલો ઉભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
