<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

શિક્ષણ જગતમાં ઐતિહાસિક પરિવર્તન: NCERT હવે બન્યું ‘ડીમ્ડ યુનિવર્સિટી’, હવે પોતે જ નક્કી કરી શકશે અભ્યાસક્રમ અને આપી શકશે ડિગ્રી; જાણો વિદ્યાર્થીઓને શું થશે ફાયદો

યુજીસીની સલાહ પર કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય; અજમેર, ભોપાલ અને મૈસુર સહિતની છ પ્રાદેશિક સંસ્થાઓને મળી સ્વાયત્તતા, પીએચડી અને નવા ડિગ્રી કોર્સ શરૂ કરવાનો માર્ગ મોકળો

નવી દિલ્હી: ભારતીય શિક્ષણ પ્રણાલીમાં પાયાના ફેરફારો કરનાર સંસ્થા NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) ને લઈને કેન્દ્ર સરકારે એક યુગલક્ષી નિર્ણય લીધો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે યુજીસીની સલાહ પર NCERT ને 'ડીમ્ડ યુનિવર્સિટી' નો દરજ્જો આપ્યો છે. આ જાહેરાત બાદ હવે NCERT માત્ર શાળાના પુસ્તકો તૈયાર કરવા પૂરતું સીમિત નહીં રહે, પરંતુ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરશે.
૬ પ્રાદેશિક સંસ્થાઓને મળ્યું નવું કદ
આ નવા દરજ્જા સાથે NCERT ની પાંચ પ્રાદેશિક શિક્ષણ સંસ્થાઓ (અજમેર, ભોપાલ, ભુવનેશ્વર, મૈસુર, શિલોંગ) અને ભોપાલમાં આવેલી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોકેશનલ એજ્યુકેશન હવે ડીમ્ડ યુનિવર્સિટી બની ગઈ છે. આ સંસ્થાઓ હવે પોતાની રીતે પ્રવેશ પ્રક્રિયા નક્કી કરી શકશે અને શૈક્ષણિક કાર્યક્રમોનું સંચાલન કરી શકશે.
ડીમ્ડ યુનિવર્સિટી બનવાથી શું બદલાશે?
અત્યાર સુધી NCERT મુખ્યત્વે ધોરણ ૧ થી ૧૨ ના અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનું કામ કરતી હતી. પરંતુ હવે ડીમ્ડ યુનિવર્સિટી બન્યા બાદ:
•    તે પોતે નવા શૈક્ષણિક કાર્યક્રમો અને ડિગ્રી અભ્યાસક્રમો શરૂ કરી શકશે.
•    વિદ્યાર્થીઓને ડોક્ટરલ (Ph.D) અને અન્ય ઉચ્ચ ડિગ્રીઓ એનાયત કરી શકશે.
•    પોતાનો અલગ અભ્યાસક્રમ (Curriculum) તૈયાર કરી શકશે અને પરીક્ષાઓનું આયોજન પણ પોતે જ કરશે.
•    તેની પાસે પોતાની પ્રવેશ પ્રક્રિયા નક્કી કરવાની સંપૂર્ણ સ્વાયત્તતા રહેશે.
૧૯૬૧ થી શિક્ષણનો પાયો મજબૂત કરતી સંસ્થા
NCERT ની સ્થાપના ૧ સપ્ટેમ્બર, ૧૯૬૧ ના રોજ શિક્ષણ સંબંધિત બાબતોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને સલાહ આપવા માટે કરવામાં આવી હતી. વર્ષોથી તે રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું તૈયાર કરવા અને શિક્ષકોને તાલીમ આપવામાં સર્વોચ્ચ સંસ્થા રહી છે. ઈ-પાઠશાળા અને દીક્ષા જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પણ તેણે લાખો વિદ્યાર્થીઓને મદદ કરી છે. હવે યુનિવર્સિટીનો દરજ્જો મળતા તે શિક્ષણના સંશોધન ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરશે.
નોંધનીય છે કે આ નિર્ણયથી શિક્ષણ ક્ષેત્રે સંશોધન (Research) અને તાલીમને નવો વેગ મળશે, જેનો સીધો લાભ ભવિષ્યના શિક્ષકો અને વિદ્યાર્થીઓને થશે.

(10:53 PM IST)