<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

કેરળના સંગ્રામમાં મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસના રમેશ ચેન્નીથલાની દાવેદારી: હાઈકમાન્ડના આદેશની જોશે રાહ, શું ૫૦ વર્ષની વફાદારીનું મળશે ફળ?

“સોનિયા ગાંધી અને નેહરુ પરિવાર સાથે મારો અતૂટ સંબંધ” – ચેન્નીથલાએ પક્ષના નિર્ણયને ગણાવ્યો સર્વોપરી; ૨૦૦૦ રૂપિયા પેન્શન અને મહિલાઓને મફત મુસાફરીના વાયદા સાથે UDF મેદાનમાં

તિરુવનંતપુરમ:  કેરળ વિધાનસભા ચૂંટણી ૨૦૨૬ માટે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને હરિપદ બેઠકના ઉમેદવાર રમેશ ચેન્નીથલાએ મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે મુખ્યમંત્રી કોણ બનશે તેનો અંતિમ નિર્ણય પાર્ટી નેતૃત્વ લેશે. ચેન્નીથલાએ ગાંધી પરિવાર સાથેના પોતાના અર્ધી સદી જૂના સંબંધોને યાદ કરતા કહ્યું કે, તેઓ હાઈકમાન્ડના દરેક નિર્ણયનું પાલન કરશે.
LDF સરકાર પર પ્રહારો અને UDF ની જીતનો વિશ્વાસ
ચેન્નીથલાએ દાવો કર્યો છે કે કેરળની જનતા પીનારાયી વિજયનના નેતૃત્વવાળી LDF સરકારના ૧૦ વર્ષના શાસનથી કંટાળી ગઈ છે. તેમણે કહ્યું કે, "છેલ્લા એક દાયકામાં કેરળ વિકાસમાં પાછળ પડી ગયું છે, જનતા અત્યારે પરિવર્તન ઈચ્છે છે." ચેન્નીથલાને વિશ્વાસ છે કે કોંગ્રેસની આગેવાની હેઠળનું યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) આ વખતે સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં વાપસી કરશે.
લોકલોભામણા વાયદાઓનું ભાથું: ‘ઇન્દિરા ગાંધી ગેરંટી’
કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં મતદારોને આકર્ષવા માટે અનેક મોટી જાહેરાતો કરી છે. જેમાં મુખ્યત્વે:
•    વૃદ્ધો માટે ૨,૦૦૦ રૂપિયાનું માસિક પેન્શન.
•    યુવાનો માટે ૫ લાખ રૂપિયા સુધીની વ્યાજમુક્ત લોન.
•    મહિલાઓ માટે સરકારી બસોમાં (KSRTC) મફત મુસાફરી.
•    કોલેજ જતી દીકરીઓ માટે દર મહિને ૧,૦૦૦ રૂપિયાની સહાય.
•    વરિષ્ઠ નાગરિકો માટે અલગ મંત્રાલય અને આરોગ્ય વીમાની સુવિધા.
ભાજપ અને આંતરિક જૂથવાદ પર સ્પષ્ટતા
કેરળમાં ભાજપના વધતા પ્રભાવ અંગે તેમણે કહ્યું કે, "કેરળમાં સાંપ્રદાયિક રાજકારણ ક્યારેય સફળ નહીં થાય. ભાજપ અહીં જીતવા માટે નહીં પણ માત્ર મતો કાપવા માટે લડે છે." બીજી તરફ, કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદ માટે ચાલતા છૂપા જંગ વિશે તેમણે સફાઈ આપતા કહ્યું કે પાર્ટીમાં કોઈ આંતરિક ઝઘડો નથી, અમારી પાસે ઘણા સક્ષમ નેતાઓ છે અને જનતા જ શ્રેષ્ઠ મુખ્યમંત્રી પસંદ કરશે.
કેરળની ૧૪૦ બેઠકો માટે ૯ એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થશે અને ૪ મે ના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. શું કોંગ્રેસ દક્ષિણના આ રાજ્યમાં ફરી બેઠી થઈ શકશે કે કેમ, તે હવે જોવું રહ્યું.

(10:54 PM IST)