<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

દુનિયાનું અજબ ગામ જ્યાં દરેક રહેવાસી છે ‘ગજની’: પોતાની ઓળખ અને ઘરનો રસ્તો ભૂલી જનારા લોકો માટે વસાવાયું ખાસ નગર, જ્યાં સુખ વેચાય છે પણ પૈસા નથી ચાલતા!

ફ્રાન્સના ‘લંડૈસ’ ગામમાં ડિમેન્શિયાના દર્દીઓ માટે વિજ્ઞાનનો અનોખો પ્રયોગ; ૪૦ થી ૧૦૨ વર્ષના વૃદ્ધો તણાવમુક્ત વાતાવરણમાં જીવે છે ગૌરવભેર જિંદગી

પેરિસ:  કલ્પના કરો કે એક એવો સમાજ જ્યાં કોઈને આવતીકાલની ચિંતા નથી કે ગઈકાલનો કોઈ હિસાબ નથી. દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સમાં આવેલું 'લંડૈસ' (Landais) ગામ કોઈ ફિલ્મી વાર્તા નથી, પણ તબીબી વિજ્ઞાનનો એક માનવતાવાદી ચમત્કાર છે. આ ગામના દરેક રહેવાસી ડિમેન્શિયા (સ્મૃતિ ભ્રંશ) અથવા અલ્ઝાઈમર જેવી ગંભીર બીમારીથી પીડિત છે, છતાં અહીંના લોકોના ચહેરા પર જે શાંતિ અને સ્મિત છે તે વિશ્વના મોટા આલીશાન શહેરોમાં પણ જોવા મળતું નથી.
જ્યાં ગજવામાં પાકીટ રાખવાની મનાઈ છે
આ ગામની સૌથી અદભૂત વ્યવસ્થા તેની બજાર છે. ગામની મધ્યમાં એક સુંદર દુકાન છે જ્યાં જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ મળે છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં કોઈ 'કેશ કાઉન્ટર' નથી! દર્દીઓ દુકાનમાં જાય છે, પોતાની પસંદગીની વસ્તુઓ લે છે અને પૈસા ચૂકવ્યા વગર મુસ્કુરાતા બહાર નીકળી જાય છે. મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે પૈસાનો હિસાબ રાખવો કે પાકીટ ખોવાઈ જવાનો ડર દર્દીઓમાં માનસિક તણાવ વધારે છે, તેથી અહીં નાણાકીય વ્યવહાર જ નાબૂદ કરી દેવાયો છે.
કેદ નહીં, પણ આઝાદીનો અહેસાસ
લંડૈસમાં ૪૦ વર્ષના યુવાનોથી લઈને ૧૦૨ વર્ષના વડીલો સાથે રહે છે. અહીં હોસ્પિટલ જેવું કશું જ નથી; અહીં સુંદર ઘરો છે, થિયેટર છે અને હરિયાળા બગીચા છે. જોકે, તેમની સુરક્ષા માટે તાલીમબદ્ધ આરોગ્ય કર્મચારીઓ હંમેશા હાજર હોય છે, પરંતુ તેઓ ડૉક્ટરના સફેદ કોટને બદલે સામાન્ય કપડામાં રહે છે જેથી દર્દીઓને ક્યારેય એવું ન લાગે કે તેઓ કોઈ હોસ્પિટલમાં કેદ છે.
યાદશક્તિ ગઈ, પણ સુખ મળ્યું
બોર્ડો યુનિવર્સિટીના સંશોધન મુજબ, આ ગામમાં રહેતા દર્દીઓમાં આક્રમકતા અને ડિપ્રેશનનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે. જ્યારે તેમના પર 'યાદ રાખવાનું' સામાજિક દબાણ ખતમ થઈ ગયું, ત્યારે તેમની માનસિક સ્થિતિમાં સુધારો જોવા મળ્યો. તેમના પરિવારો પણ ખુશ છે કારણ કે તેમના પ્રિયજનોને અહીં બીમાર તરીકે નહીં, પણ એક સામાન્ય વ્યક્તિ તરીકે સ્વીકારવામાં આવે છે.
જીવનનો મોટો પાઠ
લંડૈસ ગામ આપણને શીખવે છે કે ખુશ રહેવા માટે હંમેશા તીક્ષ્ણ યાદશક્તિ કે અઢળક ધન-દૌલતની જરૂર નથી હોતી. માત્ર એક શાંત વાતાવરણ, પરસ્પર સ્નેહ અને તણાવમુક્ત વર્તમાન જ જીવનને સાર્થક બનાવવા માટે પૂરતું છે. આ ગામ આજે વિશ્વભરના લાખો દર્દીઓ માટે આશાનું નવું કિરણ બની ગયું છે.

(10:56 PM IST)