હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પાકિસ્તાન પર પડ્યા ‘મોંઘવારીના પહાડ’: પેટ્રોલમાં એકસાથે ₹૧૯૨નો તોતિંગ વધારો, હવે એક લિટરના ભાવ ₹૪૫૮ને પાર; જનતાને મનાવવા સરકારે ૩૦ દિવસની ‘ફ્રી રાઈડ’ જાહેર કરી
ઈરાન-અમેરિકા યુદ્ધની આગમાં પાકિસ્તાનનું અર્થતંત્ર ભડકે બળ્યું; હોર્મુઝની સામુદ્રધુનીમાં તેલના ટેન્કરો ફસાતા ઇસ્લામાબાદમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ મફત, ડીઝલના ભાવ ₹૫૨૦ના ઐતિહાસિક સ્તરે

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની આર્થિક સ્થિતિ અત્યારે અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહી છે. મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર પાકિસ્તાનના ખિસ્સા પર પડી છે. શુક્રવારે શાહબાઝ શરીફ સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આસમાની વધારો ઝીંકી દીધો છે. જેના કારણે સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થિતિને કાબુમાં લેવા અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે સરકારે ઇસ્લામાબાદમાં આગામી ૩૦ દિવસ માટે તમામ જાહેર પરિવહન (Public Transport) મફત કરવાની જાહેરાત કરી છે.
૨૮ દિવસમાં પેટ્રોલ ₹૧૯૨ મોંઘું થયું
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંકડો કલ્પના બહાર જઈ રહ્યો છે. માત્ર ૨૮ દિવસના ટૂંકા ગાળામાં સરકારે પેટ્રોલના ભાવમાં કુલ ₹૧૯૨ અને ડીઝલના ભાવમાં ₹૨૩૯નો વધારો કર્યો છે. આજના વધારા બાદ હવે પાકિસ્તાનમાં એક લિટર પેટ્રોલ ₹૪૫૮ અને ડીઝલ ₹૫૨૦ (પાકિસ્તાની રૂપિયા) માં મળી રહ્યું છે. આ સિવાય કેરોસીનનો ભાવ પણ ₹૪૫૭ પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે, જે ગરીબ પરિવારો માટે મોટો ફટકો છે.
શા માટે લેવાયો ‘ફ્રી ટ્રાન્સપોર્ટ’નો નિર્ણય?
ઈરાને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર નાકાબંધી કરી હોવાથી વૈશ્વિક સ્તરે તેલનો પુરવઠો ખોરવાયો છે. ભારત અને ચીન જેવા દેશો પાસે તેલનો પૂરતો ભંડાર (Strategic Reserves) છે, પરંતુ પાકિસ્તાન પાસે આવા કોઈ ભંડાર નથી. તેલની તીવ્ર અછત વચ્ચે લોકો પોતાના ખાનગી વાહનોનો ઉપયોગ ઓછો કરે અને સરકારી બસો કે મેટ્રોનો ઉપયોગ વધારે તે હેતુથી ૩૦ દિવસ માટે મુસાફરી મફત કરવામાં આવી છે.
તેલ સંકટ અને આર્થિક ચેતવણી
આર્થિક સલાહકાર ખુર્રમ શહઝાદના જણાવ્યા અનુસાર, ગયા મહિને પાકિસ્તાનમાં પેટ્રોલનો વપરાશ ૮% અને ડીઝલનો વપરાશ ૧૩% વધ્યો હતો. ઈરાન કટોકટી વચ્ચે આ વધારો સરકાર માટે ચેતવણી સમાન છે. પાકિસ્તાન અત્યારે ઈરાન-અમેરિકા યુદ્ધનો આર્થિક બોજ સહન કરી શકે તેમ નથી, અને જો યુદ્ધ લાંબુ ચાલશે તો પાકિસ્તાનમાં જનજીવન સંપૂર્ણપણે ઠપ્પ થઈ જવાની ભીતિ સેવાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
