<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

૪૬,૦૦૦ ટન LPG સાથે ભારત આવી રહ્યું છે ગ્રીન સાનવી

અન્ય ૧૭ ટેન્કરો માટે માર્ગ મોકળોઃ સમુદ્રી જંગ વચ્ચે મુંબઈ પહોંચશે જહાજ

મુંબઈ, તા.૪ઃ પશ્ચિમ એશિયામાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના ભીષણ યુદ્ધને કારણે જ્યારે વૈશ્વિક ઈંધણ સપ્લાય ચેઈન પડી ભાંગી છે, ત્યારે ભારત માટે રાજદ્વારી અને સુરક્ષા મોરચે સૌથી મોટા વિજયના સમાચાર સામે આવ્યા છે. ૪૬,૬૫૫ મેટ્રિક ટન LPGનો તોતિંગ જથ્થો લઈને આવતું ભારતીય જહાજ ગ્રીન સાનવી અત્યંત જોખમી ગણાતી હોર્મુઝની સ્ટ્રેટ પાર કરી ચૂક્યું છે અને ૬ એપ્રિલ સુધીમાં મુંબઈના તટે લંગરશે. શિપિંગ મહાનિર્દેશાલયના મતે આ માત્ર એક જહાજનું આગમન નથી, પરંતુ યુદ્ધના ભય વચ્ચે ભારતના ઉર્જા સુરક્ષા કવચની મજબૂતીનું પ્રતિક છે, જે અગાઉ સફળતાપૂર્વક પહોંચેલા છ જહાજોની શ્રેણીમાં સાતમું મહત્વનું સોપાન છે.

સમુદ્રમાં ચાલી રહેલી આ ખેંચતાણ વચ્ચે ભારતીય નૌકાદળ સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. હાલમાં જ જગ વસંત અને પાઈન ગેસ જેવા જહાજોએ અનુક્રમે કંડલા અને ન્યૂ મેંગલોર બંદરે હજારો ટન ગેસનો પુરવઠો પહોંચાડી દીધો છે. હોર્મુઝના ઉત્તરી હિસ્સામાં અત્યારે પણ ભારે તણાવ છે, છતાં ભારતીય ધ્વજ ધરાવતા જહાજોને પ્રાધાન્ય મળવું એ દિલ્હીની મજબૂત વિદેશ નીતિ દર્શાવે છે. અત્યાર સુધીમાં ૧,૧૩૦ ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે ભારત તેના નાગરિકો અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ માટે સમુદ્રમાં કોઈપણ જોખમ ખેડવા તૈયાર છે.

જોકે, હજુ પણ પર્શિયન ગલ્ફ અને લાલ સમુદ્રના વિસ્તારોમાં ૧૭ જેટલા ભારતીય જહાજો કિલયરન્સની રાહ જોઈ રહ્યા છે. ગ્રીન આશા અને જગ વિક્રમ જેવા ટેન્કરો હાલ ભારતીય નૌકાદળના સીધા નિર્દેશો હેઠળ છે, જેથી દુશ્મન દેશોની કોઈપણ હિલચાલ તેમને નુકસાન ન પહોંચાડી શકે. ગલ્ફ ક્ષેત્રમાં કાર્યરત અંદાજે ૨૦,૫૦૦ ભારતીય ખલાસીઓની સલામતી માટે શિપિંગ મંત્રાલય ચોવીસે કલાક મોનિટરિંગ કરી રહ્યું છે. જો આગામી સપ્તાહમાં આ તમામ જહાજો ભારતીય કિનારે પહોંચશે, તો દેશમાં LPGના ભાવ અને વિતરણ વ્યવસ્થામાં અભૂતપૂર્વ સ્થિરતા આવશે. 

(10:42 AM IST)