હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનનો અમેરિકા પર પ્રચંડ પ્રહારઃ ૨૪ કલાકમાં યુએસના ૨ શક્તિશાળી વિમાનો અને ૨ હેલિકોપ્ટર ફૂંકી માર્યા
રેસ્કયૂ મિશન પર નીકળેલા બે અમેરિકી હેલિકોપ્ટરો પર હુમલો

તેહરાન, તા.૪: ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષે છેલ્લા ૨૪ કલાકમાં ભયાનક વળાંક લીધો છે, જેમાં અમેરિકાના અત્યાધુનિક સૈન્ય ગૌરવના લીરેલીરા ઉડ્યા છે. ઈરાને દાવો કર્યો છે કે તેણે અમેરિકાના અત્યંત શક્તિશાળી ગણાતા F-15E સ્ટ્રાઈક ઈગલ અને A-10 વોર્થોગ ફાઈટર જેટને તોડી પાડ્યા છે. આ હુમલા બાદ ગુમ થયેલા અમેરિકી પાયલોટને શોધવા માટે નીકળેલા યુએચ-૬૦ બ્લેક હોક સહિતના બે રેસ્કયૂ હેલિકોપ્ટરો પર પણ ઈરાની દળોએ જમીન પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જીવ બચાવવા માટે આ હેલિકોપ્ટરોને અત્યંત નીચી ઉડાન ભરીને ભાગવાની ફરજ પડી હતી, જેનાથી ગલ્ફ ક્ષેત્રમાં અમેરિકી સેનાની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
આ ઘટનાક્રમમાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ઈરાને ગુમ થયેલા અમેરિકન પાયલોટને જીવતો પકડવા માટે ઈનામની જાહેરાત કરી દીધી. ઈરાની મીડિયા અને સ્થાનિક વહીવટીતંત્રે જનતાને ખુલ્લી અપીલ કરી છે કે જે કોઈ પણ આ પાયલોટની ભાળ આપશે અથવા તેને પકડવામાં મદદ કરશે, તેને મોટું વળતર આપવામાં આવશે. આ જાહેરાત બાદ ઈરાની નાગરિકો બંદૂકો લઈને પાયલોટની શોધમાં નીકળી પડ્યા છે, જેના કારણે અમેરિકા માટે પોતાના જ સૈનિકને દુશ્મન દેશની ધરતી પરથી જીવતો પાછો મેળવવો હવે લોઢાના ચણા ચાવવા જેવું બની ગયું છે. ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે કટાક્ષ કરતા કહ્યું કે, વિશ્વ વિજયના બણગા ફૂંકતું અમેરિકા આજે પોતાના જ એક પાયલોટને શોધવા માટે ફાંફા મારી રહ્યું છે.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકાશી વર્ચસ્વ અને ઈરાનને નબળું પાડવાના દાવાઓ વચ્ચે વધુ એક A-૧૦ વોર્થોગ વિમાન ગલ્ફમાં ક્રેશ થતા વોશિંગ્ટન બેકફૂટ પર આવી ગયું છે. જોકે અમેરિકા આ ઘટનાઓને તકનીકી ખામી કે અકસ્માત ગણાવી રહ્યું છે, પરંતુ ઈરાને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની સીમામાં ઘૂસનારા દરેક વિમાનને નિશાન બનાવવામાં આવશે. અત્યાર સુધીમાં ૧,૧૩૦ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હોવા છતાં, હજુ પણ સેંકડો ભારતીય અને આંતરરાષ્ટ્રીય સૈનિકો તેમજ ખલાસીઓ આ યુદ્ધના મેદાનમાં ફસાયેલા છે. આ સંઘર્ષ હવે માત્ર સરહદની લડાઈ નથી રહી, પરંતુ સુપર પાવર અમેરિકા માટે અસ્તિત્વની લડાઈ બની ગઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
