<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ઇલોન મસ્કની ૭૫ અબજ ડોલરનો સૌથી મોટો આઇપીઓ લાવવાની તૈયારી: માર્કેટમાં મચી હલચલ

સ્પેસએક્સ કંપનીનું મૂલ્ય ૧.૨૫ ટ્રિલિયન ડોલર આંકવામાં આવ્યું: રોકાણકારોમાં ભારે ઉત્સાહ

અબજોપતિ ઇલોન મસ્કની સ્પેસએક્સ કંપની વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો ૭૫ અબજ ડોલરનો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) લાવવાની તૈયારી કરી રહી છે.

વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ ઇલોન મસ્ક તેમની સ્પેસ એક્સપ્લોરેશન કંપની સ્પેસએક્સને શેરબજારમાં લિસ્ટ કરવાની કવાયત કરી રહ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, કંપનીએ અમેરિકન રેગ્યુલેટર્સ પાસે આઇપીઓ માટે જરૂરી દસ્તાવેજો ફાઈલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ આઇપીઓનું કદ અંદાજે ૭૫ અબજ ડોલર હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જો આ ડીલ સફળ રહેશે તો તે સાઉદી અરામકો (૨૫.૬ અબજ ડોલર) ના અગાઉના રેકોર્ડને તોડીને વિશ્વનો અત્યાર સુધીનો સૌથી મોટો આઇપીઓ બની જશે. તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપનીના અધિગ્રહણ બાદ સ્પેસએક્સનું કુલ મૂલ્યાંકન ૧.૨૫ ટ્રિલિયન ડોલર (૧.૨૫ લાખ કરોડ ડોલર) આંબી ગયું છે. આ આઇપીઓ મારફતે કંપનીના સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ અને રોકેટ મેન્યુફેક્ચરિંગ બિઝનેસની આર્થિક કામગીરી વધુ પારદર્શક બનશે. રોકાણકારોમાં આ મેગા આઇપીઓને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ, મોટી વૈશ્વિક સંસ્થાઓ અને ફંડ્સ આ ઐતિહાસિક લિસ્ટિંગમાં અબજો ડોલરનું રોકાણ કરવા માટે પહેલેથી જ વાટાઘાટો કરી રહ્યા છે. *

 

(11:42 AM IST)