હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્યપૂર્વમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર : ૪૪,૦૦૦ ટન LPG ભરેલું સાતમું જહાજ હોર્મુઝની સામુદ્રધુની પાર કરી ગયું
‘ગ્રીન સાન્વી’ ટેન્કર ભારત આવવા રવાના થતા ગેસ પુરવઠાને મોટી રાહત : હજુ પણ ૧૭ ભારતીય જહાજો દરિયાઈ માર્ગે અટવાયેલા હોવાથી ચિંતા યથાવત : ઈરાની ક્રૂડ ઓઈલ ભરેલું જહાજ વાડીનાર આવવાને બદલે અચાનક ચીન તરફ ફંટાયું

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ભારતના ઉર્જા ક્ષેત્ર માટે આંશિક રાહતના સમાચાર સામે આવ્યા છે. અંદાજે ૪૪,૦૦૦ ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને ભારત આવી રહેલું સાતમું ટેન્કર ‘ગ્રીન સાન્વી’ સુરક્ષિત રીતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (હોર્મુઝની સામુદ્રધુની) પાર કરી ગયું છે. અગાઉ છ જહાજો ભારત પહોંચી ચૂક્યા છે અને આ સાતમું જહાજ ટૂંક સમયમાં ભારતીય બંદરે લંગરશે તેવી શક્યતા છે. જોકે, આ સફળતા વચ્ચે હજુ પણ ભારત માટે ચિંતાના વાદળો વિખરાયા નથી, કારણ કે મહત્વના દરિયાઈ માર્ગો પર હજુ પણ ૧૭ જેટલા ભારતીય જહાજો ફસાયેલા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
૧૭ ભારતીય જહાજો હજુ પણ રસ્તામાં અટવાયેલા
દરિયાઈ પરિવહન પર નજર રાખતી સંસ્થાઓના અહેવાલ મુજબ, હોર્મુઝની સામુદ્રધુનીમાં હજુ પણ ૧૭ ભારતીય જહાજો અટવાયેલા છે. જેમાં ‘ગ્રીન આશા’ અને ‘જગ વિક્રમ’ જેવા મહત્વના એલપીજી કેરિયર જહાજોનો સમાવેશ થાય છે. આ જહાજો પણ ટૂંક સમયમાં ભારત તરફ રવાના થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. મધ્યપૂર્વમાં ચાલી રહેલી અસ્થિરતાને કારણે ભારત માટે ગેસ અને તેલનો પુરવઠો જાળવી રાખવો એક પડકાર સમાન બની રહ્યો છે, ત્યારે આ જહાજોનું સુરક્ષિત રીતે આગળ વધવું ભારતની અર્થવ્યવસ્થા અને ઘરેલું વપરાશ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
ગુજરાતના વડીનાર આવતું ઈરાની તેલનું જહાજ ચીન તરફ ફંટાયું
આ દરમિયાન એક અન્ય ચોંકાવનારો ઘટનાક્રમ પણ સામે આવ્યો છે. અમેરિકી પ્રતિબંધો હેઠળ આવતું ‘પિંગ શુન’ નામનું જહાજ, જે ઈરાની કાચું તેલ લઈને ગુજરાતના વડીનાર બંદર તરફ આવી રહ્યું હતું, તેણે મધ્ય દરિયામાંથી પોતાનો રૂટ બદલી નાખ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી ભારત તરફ આગળ વધી રહેલું આ જહાજ અચાનક ગુજરાત આવવાને બદલે ચીનના ડોંગયિંગ બંદર તરફ વળી ગયું છે. શિપ ટ્રેકિંગ ફર્મ કેપ્લરના ડેટા મુજબ, જો આ જહાજ વડીનાર પહોંચ્યું હોત તો ૨૦૧૯ પછી આ પ્રથમ વખત હોત જ્યારે ભારત ઈરાની કાચું તેલ ખરીદત.
પેમેન્ટની સમસ્યાને કારણે રૂટ બદલાયો હોવાની શક્યતા
નિષ્ણાતોના મતે, આ જહાજનો રૂટ બદલવા પાછળ પેમેન્ટ સાથે જોડાયેલી શરતો મુખ્ય કારણ હોઈ શકે છે. અગાઉ ઈરાની તેલની ખરીદીમાં ૩૦ થી ૬૦ દિવસની ક્રેડિટ મળતી હતી, પરંતુ હાલમાં વેચાણકર્તાઓ તાત્કાલિક પેમેન્ટની શરત રાખી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તાજેતરમાં અમેરિકાએ પ્રતિબંધોમાં થોડી છૂટછાટ આપતા ભારતીય રિફાઇનર્સ સમુદ્રમાં મોજૂદ ઈરાની તેલ ખરીદવાની તકો શોધી રહ્યા હતા. જોકે, આ ચોક્કસ કન્સાઇનમેન્ટના ખરીદદાર કે વેચનાર કોણ છે તેની વિગતો હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. હાલમાં તો આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા રાજકીય સમીકરણોની સીધી અસર ભારતના ઉર્જા આયાત પર જોવા મળી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
