<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

હૈદરાબાદના આસિફ નગરમાં ફળના ગોડાઉન પર ત્રાટકી પોલીસ : એથિલિન કેમિકલથી પકવેલી ૭ ટન કેરીનો જથ્થો ઝડપાયો

લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ઝેરીલી કેરીના નેટવર્કનો પર્દાફાશ : ૩૫૦થી વધુ ટ્રેમાં ભરેલી જોખમી કેરીઓ જપ્ત કરી ગોડાઉન સીલ કરાયું : સંચાલક જમીલ અને ફરીદ વિરુદ્ધ ગુનો નોંધી સપ્લાય ચેઈનની તપાસ તેજ

હૈદરાબાદ: ફળોના રાજા ગણાતી કેરીની સીઝન શરૂ થતાની સાથે જ નફાખોરો સક્રિય થયા છે, ત્યારે હૈદરાબાદના આસિફ નગરમાં H-FAST (એચ-ફાસ્ટ) ટીમ દ્વારા કરવામાં આવેલી એક મોટી કાર્યવાહીમાં કેમિકલથી પકવેલી કેરીઓનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એક ગુપ્ત માહિતીના આધારે પોલીસ અને ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ સંયુક્ત રીતે ફળના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો, જ્યાં કુદરતી રીતે નહીં પરંતુ પ્રતિબંધિત એથિલિન કેમિકલના ઉપયોગથી કેરીઓને રાતોરાત પકવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું.
૭ ટન કેરીનો જથ્થો અને કેમિકલનો ઉપયોગ
H-FAST ના અધિકારી રંજીથે જણાવ્યું હતું કે, આ ગોડાઉનમાં અંદાજે ૩૫૦ જેટલી પ્લાસ્ટિકની ટ્રેમાં રાખવામાં આવેલી ૭ ટન જેટલી કેરીઓ મળી આવી હતી. દરેક ટ્રેમાં ૨૦ કિલો જેટલી કેરીઓનો સંગ્રહ કરાયો હતો. તપાસમાં બહાર આવ્યું છે કે કેરીઓને વહેલી પકવીને બજારમાં ઊંચા ભાવે વેચવાના ઈરાદે તેના પર એથિલિન કેમિકલનો છંટકાવ કરવામાં આવતો હતો. આ કેમિકલયુક્ત કેરીઓ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે, જેના કારણે ગંભીર બીમારીઓ થવાનું જોખમ રહેલું છે.
સપ્લાય નેટવર્ક અને કાયદેસરની કાર્યવાહી
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ કેરીઓ બેટાસિંગરામ બજારમાંથી ખરીદવામાં આવી હતી અને તેને આસિફ નગરના આ ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવી હતી. અહીં કેમિકલ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ ઝેરીલી કેરીઓને હૈદરાબાદના વિવિધ છૂટક બજારોમાં સપ્લાય કરવાનું મોટું આયોજન હતું. પોલીસે ગોડાઉનના સંચાલકો જમીલ અને ફરીદ સામે ગુનો દાખલ કરી તેમની અટકાયત કરી છે. સમગ્ર નેટવર્કને તોડવા માટે પોલીસ હવે આ સપ્લાય ચેઈનમાં જોડાયેલા અન્ય શખ્સોની પણ શોધખોળ કરી રહી છે.
ગ્રાહકો માટે લાલબત્તી સમાન ચેતવણી
આ કાર્યવાહી બાદ ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ જનતાને ચેતવણી આપતા જણાવ્યું છે કે, જે કેરીઓનો રંગ અસામાન્ય રીતે એકદમ પીળો હોય અથવા જેનો સ્વાદ અને સુગંધ સામાન્ય ન લાગે તેવી કેરીઓ ખરીદવાથી બચવું જોઈએ. કેમિકલથી પકવેલી કેરીઓ દેખાવમાં આકર્ષક હોય છે પરંતુ તે ઝેર સમાન છે. હાલમાં તંત્ર દ્વારા આ ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું છે અને જપ્ત કરાયેલી કેરીઓના નમૂના લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. હૈદરાબાદમાં ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આગામી દિવસોમાં પણ આવા દરોડા ચાલુ રહેશે તેવા સંકેત આપવામાં આવ્યા છે.

(1:51 PM IST)