<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

હોર્મુઝ બાદ હવે બાબ અલ-મંડેબ પર ઈરાનની નજર

જો આ દરિયાઈ માર્ગ બંધ થયો તો ઘઉં, ચોખા અને તેલના ભાવ આસમાને પહોચશે

તેહરાન, તા.૪: પશ્ચિમ એશિયામાં યુદ્ધના વાદળો વચ્‍ચે ઈરાને હવે વિશ્વની રગ સમાન દરિયાઈ માર્ગો પર કબજો જમાવવાની સીધી ધમકી આપી છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં પહેલેથી જ વર્ચસ્‍વ ધરાવતું ઈરાન હવે બાબ અલ-મંડેબ સુધી પોતાની પહોંચ વિસ્‍તારવા માંગે છે, જે વૈશ્વિક વેપાર માટે જીવનરેખા ગણાય છે. ઈરાની સંસદના સ્‍પીકર મોહમ્‍મદ બાઘર ગાલિબાફે સોશિયલ મીડિયા પર જે રીતે આંકડાકીય પ્રશ્‍નો પૂછયા છે, તે માત્ર જિજ્ઞાસા નથી પણ પヘમિી દેશો અને ઈઝરાયેલ માટે એક ખુલ્લો પડકાર છે. જો ઈરાન આ વ્‍યૂહાત્‍મક માર્ગ પર અડચણો ઊભી કરવામાં સફળ રહે છે, તો સુએઝ નહેર દ્વારા થતો યુરોપ-એશિયાનો વેપાર ઠપ થઈ જશે, જેનાથી આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે આર્થિક કટોકટી સર્જાઈ શકે છે.

બાબ અલ-મંડેબ એ લાલ સમુદ્ર અને એડેનના અખાતને જોડતો એવો સાંકડો માર્ગ છે જ્‍યાંથી દરરોજ લાખો બેરલ તેલ અને વિશ્વનો ૧૨ ટકા વેપાર પસાર થાય છે. ગાલિબાફે જે રીતે ઘઉં, ચોખા અને ખાતરના શિપમેન્‍ટનો ઉલ્લેખ કર્યો છે, તે દર્શાવે છે કે ઈરાન હવે માત્ર ઉર્જા પુરવઠો જ નહીં પણ દુનિયાની થાળી પર પણ સીધો પ્રહાર કરવાની ફિરાકમાં છે. સંરક્ષણ નિષ્‍ણાતો માને છે કે ઈરાન સીધી લડાઈને બદલે આવા ચોકપોઈન્‍ટ્‍સ પર દબાણ વધારીને અમેરિકા અને તેના સાથી દેશોને ઘૂંટણિયે લાવવા માંગે છે. આ એક એવી આર્થિક સર્જિકલ સ્‍ટ્રાઈક જેવી તૈયારી છે, જેની અસર ગરીબ દેશોથી લઈને સમળદ્ધ પヘમિી અર્થતંત્રો સુધી દરેકને વર્તાશે.

ઈરાનની આ નવી રણનીતિથી લોજિસ્‍ટિક્‍સ ખર્ચમાં તો તોતિંગ વધારો થશે જ, સાથે સાથે વીમા પ્રીમિયમમાં પણ ઉછાળો આવશે, જે અંતે મોંઘવારીના રૂપે સામાન્‍ય જનતા પર તૂટી પડશે. તેલ અને ગેસના શિપમેન્‍ટ અટકવાને કારણે ભારત સહિતના એશિયાઈ દેશો પર પણ તેની માઠી અસર થવાની પૂરી સંભાવના છે. હાલમાં જ્‍યારે વૈશ્વિક સપ્‍લાય ચેઈન પહેલેથી જ નાજુક સ્‍થિતિમાં છે, ત્‍યારે બાબ અલ-મંડેબમાં કોઈ પણ પ્રકારની નાકાબંધી રશિયા-યુક્રેન યુદ્ધ કરતા પણ મોટો આર્થિક આંચકો આપી શકે છે. હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે ઈરાન આ સંકેતોને કયારે હકીકતમાં ફેરવે છે અને આંતરરાષ્‍ટ્રીય સમુદાય આ સંકટને રોકવા માટે કેવા પગલાં લે છે. 

(3:10 PM IST)