<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

તામિલનાડુની પુત્રી રિની સંપથનો અમેરિકામાં ડંકો : વોશિંગ્ટન ડીસીના મેયર પદની રેસમાં પ્રથમ દક્ષિણ એશિયાઈ ઉમેદવાર તરીકે ઈતિહાસ રચ્યો

'ફિક્સ ધ બેઝિક્સ'ના નારા સાથે ડેમોક્રેટિક પાર્ટી તરફથી મેદાનમાં ઉતરેલી રિની સંપથની પ્રતિજ્ઞા : શહેરની પાયાની સુવિધાઓ સુધારવા અને ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું

વોશિંગ્ટન: અમેરિકાના રાજકારણમાં ભારતીયોનો પ્રભાવ સતત વધી રહ્યો છે, ત્યારે વધુ એક ભારતીય મૂળની મહિલાએ ઈતિહાસના પાના પર પોતાનું નામ અંકિત કર્યું છે. તામિલનાડુમાં જન્મેલી 31 વર્ષીય રિની સંપથ વોશિંગ્ટન ડીસીના મેયર પદની ચૂંટણી માટે પ્રાઈમરી બેલેટમાં સ્થાન મેળવનાર પ્રથમ દક્ષિણ એશિયાઈ ઉમેદવાર બની છે. ડેમોક્રેટિક પાર્ટી તરફથી ચૂંટણી લડી રહેલી આ યુવા નેતાએ 'એ ન્યૂ ડીસી' (એક નવું ડીસી) અને 'ફિક્સ ધ બેઝિક્સ' થીમ સાથે પોતાના પ્રચાર અભિયાનના શ્રીગણેશ કર્યા છે.

તામિલનાડુથી વોશિંગ્ટન સુધીની સફર:
રિની સંપથનો જન્મ તામિલનાડુના થેની જિલ્લામાં થયો હતો. તે માત્ર સાત વર્ષની વયે માતા-પિતા સાથે અમેરિકા આવી હતી અને છેલ્લા એક દાયકાથી વધુ સમયથી વોશિંગ્ટન ડીસીમાં સ્થાયી થયેલી છે. વ્યવસાયે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર એવી સંપથ રાજકારણમાં પોતાને એક 'આઉટસાઈડર' તરીકે ઓળખાવે છે. તેનું માનવું છે કે તે કોઈ ખાસ હિત ધરાવતા જૂથોની દેવાદાર નથી, જેના કારણે તે શહેરના પાયાના પ્રશ્નો પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે.

પ્રાયમરી ચૂંટણી અને જીતનો વિશ્વાસ:
વોશિંગ્ટન ડીસીના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ દક્ષિણ એશિયાઈ ઉમેદવાર મેયર પદની ચૂંટણીના બેલેટ સુધી પહોંચી છે. આ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા રિની સંપથે જણાવ્યું હતું કે, માત્ર ચાર સપ્તાહના ટૂંકા ગાળામાં લોકોના સમર્થનથી આ સિદ્ધિ મેળવવી એ સ્પષ્ટ કરે છે કે વિજયનો માર્ગ મોકળો છે. જો મર્યાદિત સંસાધનો સાથે આટલું કરી શકાય છે, તો પૂરતા સંસાધનો મળે તો શહેરના દરેક મતદાર સુધી પહોંચીને મોટું પરિવર્તન લાવી શકાય છે.

શહેરની પ્રાથમિકતાઓ પર ભાર:
પોતાની વેબસાઈટ અને નિવેદનો દ્વારા સંપથે સ્પષ્ટ કર્યું છે કે તેની પ્રાથમિકતા રાજનીતિ કરવાને બદલે લોકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવાની છે. રસ્તાઓ પરના ખાડા પૂરવા, પોટોમેક નદીમાં ગંદા પાણીના નિકાલની ગંભીર સમસ્યા હલ કરવી, વધતી મોંઘવારી પર અંકુશ મેળવવો અને ઈમરજન્સી સેવા 911 ના વેઈટિંગ પીરિયડમાં ઘટાડો કરવો જેવા મહત્વના મુદ્દાઓ તેના એજન્ડામાં ટોચ પર છે.

રાજકીય સમીકરણો:
વોશિંગ્ટન ડીસીમાં વર્ષ 1975માં મેયર પદ માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ક્યારેય રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર મેયર બન્યા નથી. અહીં ડેમોક્રેટિક પાર્ટીનું એકચક્રી શાસન રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં રિની સંપથની સામે જેનીસ લુઈસ જ્યોર્જ, કેન્યાન મેકડોફી, ગેરી ગુડવેધર, રોબર્ટ એલ. ગ્રોસ અને રોન્ડા હેમિલ્ટન જેવા ઉમેદવારો મેદાનમાં છે. આગામી 16 જૂનના રોજ પ્રાઈમરી ચૂંટણી યોજાશે, જ્યારે મુખ્ય ચૂંટણી 3 નવેમ્બરના રોજ યોજાનાર છે.

(4:36 PM IST)