હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અનિલ અંબાણી અને જેફરી એપ્સટીન વચ્ચેના ખાનગી સંદેશાઓનો પર્દાફાશ : ટ્રમ્પ વહીવટીતંત્રમાં ઘૂસણખોરી કરવા માટે કુખ્યાત સેક્સ ઓફેન્ડરની મદદ લીધી હતી
અમેરિકાના ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલમાં ૨૦૧૭ થી ૨૦૧૯ વચ્ચેના સેંકડો મેસેજ દ્વારા ચોંકાવનારો ખુલાસો : સંરક્ષણ સોદા અને વિદેશ નીતિમાં ‘ઇનસાઇડ બેઝબોલ’ એટલે કે ગુપ્ત માહિતી મેળવવા અનિલ અંબાણીએ એપ્સટીનને ગાઈડ અને પાવર બ્રોકર માન્યો હતો

ન્યૂયોર્ક : ભારતના જાણીતા ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને અમેરિકાના કુખ્યાત સેક્સ ઓફેન્ડર જેફરી એપ્સટીન વચ્ચેના સંબંધોને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે. અમેરિકી ન્યાય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અને ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલા સેંકડો સંદેશાઓ પરથી જાણવા મળ્યું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન અનિલ અંબાણીએ અમેરિકી વહીવટીતંત્રમાં પ્રભાવ પાડવા અને વ્યૂહાત્મક માહિતી મેળવવા માટે જેફરી એપ્સટીનની મદદ લીધી હતી. એપ્સટીને પોતાની જાતને વ્હાઇટ હાઉસના ‘ઇનસાઇડર’ તરીકે રજૂ કરીને અનિલ અંબાણીને માર્ગદર્શન આપવાનું વચન આપ્યું હતું.
સંરક્ષણ સોદા અને એમ્બેસેડરની નિમણૂક પર ચર્ચા:
વર્ષ ૨૦૧૭માં જ્યારે રાફેલ ફાઇટર જેટના સોદાને લઈને અનિલ અંબાણીની કંપની ચર્ચામાં હતી, ત્યારે તેમણે એપ્સટીન પાસે ભારત-અમેરિકાના સંરક્ષણ સહયોગ અને વ્હાઇટ હાઉસની નીતિઓ સમજવા માટે ‘ગાઈડન્સ’ માંગ્યું હતું. અનિલ અંબાણીએ પૂર્વ સીઆઈએ ડાયરેક્ટર ડેવિડ પેટ્રાયસને ભારતમાં અમેરિકાના એમ્બેસેડર બનાવવા માટે ઈચ્છા વ્યક્ત કરી હતી, જેના પર એપ્સટીને ગુપ્ત રીતે તપાસ કરીને માહિતી આપી હતી કે પેટ્રાયસ સરકારની પ્રાથમિકતામાં નથી. આશ્ચર્યજનક રીતે, એપ્સટીને જ્હોન બોલ્ટન નેશનલ સિક્યુરિટી એડવાઈઝર બનશે તેવી આગાહી તે ઘટનાના આઠ મહિના પહેલા જ કરી દીધી હતી, જે પાછળથી સાચી પડી હતી.
ઈઝરાયેલ મુલાકાત અને વ્યૂહાત્મક સલાહ:
સંદેશાઓમાં ખુલાસો થયો છે કે એપ્સટીને અનિલ અંબાણીને સલાહ આપી હતી કે જો ભારત ઈઝરાયેલ પાસેથી વધુ હથિયારો ખરીદશે, તો ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત તરફ વધુ સકારાત્મક વલણ રાખશે. ૨૦૧૭માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઐતિહાસિક ઈઝરાયેલ મુલાકાત બાદ એપ્સટીને અન્ય બિઝનેસમેન સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે ભારતે તેમની સલાહ માની છે અને તે સફળ રહી છે. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે આ અગાઉ આવા સંદેશાઓને એક ગુનેગારના ‘કચરા સમાન વિચારો’ ગણાવીને ફગાવી દીધા હતા.
હાઈ-પ્રોફાઈલ મુલાકાતો અને ‘ડેઝર્ટ’ શબ્દનો ભેદી ઉલ્લેખ:
એપ્સટીને અનિલ અંબાણીને સ્ટીવ બેનન અને જેરેડ કુશ્નર જેવા ટ્રમ્પના નજીકના લોકો સાથે મુલાકાત કરાવવાની ઓફર કરી હતી. અનિલ અંબાણીએ પણ પોતાની ઓળખ ‘આરમાની એ’ (Armani A) તરીકે આપીને સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એન્ક્રિપ્ટેડ એપ્સ પર એપ્સટીન સાથે વાતચીત કરી હતી. આ મેસેજોમાં નાણાકીય બાબતોની સાથે ‘ડેઝર્ટ’ (મીઠાઈ) અને ‘ફન’ (મજા) જેવા શબ્દોનો રહસ્યમય રીતે ઉપયોગ થયો છે, જેનો ચોક્કસ અર્થ સ્પષ્ટ થતો નથી.
આર્થિક સંકટ સમયે પણ સંપર્ક ચાલુ રહ્યો:
જ્યારે અનિલ અંબાણીના વ્યવસાયો મુશ્કેલીમાં હતા અને તેમણે ૨૦૧૯માં મોટા દેવા ચૂકવવા પડ્યા હતા, ત્યારે પણ એપ્સટીને તેમને માનસિક રીતે મજબૂત રહેવાની સલાહ આપી હતી. મે ૨૦૧૯માં ભારતના ચૂંટણી પરિણામોના દિવસે જ અનિલ અંબાણીએ ન્યૂયોર્કમાં એપ્સટીનના મેનહટન મેન્શનની મુલાકાત લીધી હતી. આ મુલાકાતના થોડા દિવસો બાદ જ એપ્સટીનની સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે અનિલ અંબાણીએ આ બાબતે કોઈ ટિપ્પણી કરી નથી અને તેમની સામે કોઈ ફોજદારી આરોપ નથી. પરંતુ આ ખુલાસાએ વૈશ્વિક સ્તરે પાવર બ્રોકિંગ અને પડદા પાછળ ચાલતી ડિપ્લોમસી પર અનેક સવાલો ઉભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
