હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી પોલીસનું 'સુપરફાસ્ટ' એક્શન: બ્લિંકિટની જેમ 10 જ મિનિટમાં લાઉડસ્પીકરના ઘોંઘાટ પર લગાવી બ્રેક!
સોશિયલ મીડિયા પર 'પોલીસ વર્ઝન ઓફ બ્લિંકિટ' તરીકે વાયરલ થયેલી ઘટનામાં મધ્યરાત્રિએ શાંતિ ભંગ કરતા તત્વો સામે ખાખીની ચપળતાએ જીત્યા લોકોના દિલ

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં મોડી રાત્રે કાયદાના લીરેલીરા ઉડાવીને ગજવવામાં આવતા લાઉડસ્પીકર સામે દિલ્હી પોલીસે એટલી ઝડપી કાર્યવાહી કરી કે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. સામાન્ય રીતે પોલીસની ઢીલી કામગીરીની ફરિયાદો સાંભળવા મળતી હોય છે, પરંતુ આ કિસ્સામાં દિલ્હી પોલીસે 'ઝડપ'નો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. શહેરના એક ઉદ્યોગપતિ આકાશ બંસલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાનો અનોખો અનુભવ શેર કરતા જણાવ્યું કે, રાત્રે 1 વાગ્યે જ્યારે આસપાસના વિસ્તારમાં જોરશોરથી સ્પીકર વાગી રહ્યા હતા, ત્યારે તેમણે 100 નંબર પર ડાયલ કર્યો. આશ્ચર્યની વાત એ હતી કે કોલ કર્યાના માત્ર 4 મિનિટમાં જ પેટ્રોલિંગ ઓફિસરનો સામેથી ફોન આવ્યો અને 10મી મિનિટે તો પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચીને અવાજ બંધ કરાવી ચૂકી હતી.
આ સુપર-ફાસ્ટ રિસ્પોન્સ જોઈને નેટીઝન્સે દિલ્હી પોલીસની સરખામણી 'બ્લિંકિટ' જેવી 10 મિનિટમાં ડિલિવરી આપતી એપ્સ સાથે કરવાનું શરૂ કર્યું છે. આકાશ બંસલની આ પોસ્ટ વાયરલ થતા જ દિલ્હી પોલીસે પણ ગૌરવ સાથે જવાબ આપ્યો કે, નાગરિકોની શાંતિ અને કાયદાનું પાલન કરાવવું એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. રાત્રે 10 વાગ્યા પછી લાઉડસ્પીકર વગાડવું એ ગુનો છે અને પોલીસ આ મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી. સોશિયલ મીડિયા પર યૂઝર્સ આ કાર્યવાહીના વખાણ કરતા થાકતા નથી, કોઈએ તેને "નવા ભારતની નવી પોલીસ" ગણાવી તો કોઈએ હસતા-હસતા લખ્યું કે, "હવે ગુનેગારોએ પણ 10 મિનિટમાં પકડાવા માટે તૈયાર રહેવું પડશે!"
જોકે, આ પ્રશંસાની સાથે સાથે કેટલાક જાગૃત નાગરિકોએ સણસણતા સવાલો પણ ઉઠાવ્યા છે. ડિજિટલ પ્લેટફોર્મ પર ચર્ચા ચાલી રહી છે કે જો પોલીસ લાઉડસ્પીકર બંધ કરાવવા માટે આટલી ચપળતા બતાવી શકે છે, તો ગંભીર ગુનાઓ અને રસ્તા પર થતી લૂંટફાટ રોકવામાં પણ આવી જ 'સુપરફાસ્ટ' ગતિ કેમ જોવા મળતી નથી? એક તરફ લોકો પોલીસના આ 'બ્લિંકિટ અવતાર'થી ખુશ છે, તો બીજી તરફ અપેક્ષા રાખી રહ્યા છે કે આ ચપળતા માત્ર ઘોંઘાટ પૂરતી સીમિત ન રહેતા દિલ્હીની એકંદરે સુરક્ષા વ્યવસ્થામાં પણ પ્રતિબિંબિત થાય. હાલ તો, આ 10 મિનિટની ડિલિવરી જેવી પોલીસ સર્વિસ સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
