વિશ્વયુદ્ધના એંધાણ વચ્ચે LPG ગેસના ભાવમાં ભડકો: શું ઇન્ડક્શન અને સોલર કુકર બનશે સામાન્ય માણસનો સહારો? જાણો રસોઈના સસ્તા વિકલ્પો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસર રસોડા સુધી પહોંચી: ગેસ સિલિન્ડરની અછત વચ્ચે ભારતમાં ઇન્ડક્શનના વેચાણમાં ૩૦%નો તોતિંગ ઉછાળો

અમદાવાદ : વૈશ્વિક સ્તરે ભભૂકી રહેલી યુદ્ધની જ્વાળાઓ હવે સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી ગઈ છે. અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને આજે ૩૬ દિવસ વીતી ગયા છે, જેની સીધી અસર ગ્લોબલ એનર્જી માર્કેટ પર પડી રહી છે. ઈરાન દ્વારા હોર્મુઝની સામુદ્રધુનીમાં કરવામાં આવેલી નાકાબંધીને કારણે વિશ્વના ૨૦% ક્રૂડ ઓઈલ અને LPG પુરવઠાને બ્રેક વાગી છે. આ સ્થિતિમાં ભારતમાં LPG સિલિન્ડરની અછત વર્તાવા લાગી છે, જેના કારણે મધ્યમ વર્ગ હવે ગેસના મોંઘા અને અચોક્કસ વિકલ્પને છોડીને ઇન્ડક્શન અને અન્ય ઉર્જા સ્ત્રોતો તરફ વળી રહ્યો છે.
ભારતમાં હાલ ઇન્ડક્શન કુકટોપની માંગમાં ૩૦% જેટલો જંગી વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, LPGની સરખામણીએ ઇલેક્ટ્રિક કુકિંગ અંદાજે ૨૦% જેટલું સસ્તું પડી રહ્યું છે. માત્ર શહેરો જ નહીં, પણ ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં પણ હવે પરિવર્તનની લહેર જોવા મળી રહી છે. લોકો હવે પરંપરાગત ગેસના બદલે સોલર કુકર અને સ્ટીમ કિચનનો ઉપયોગ વધારી રહ્યા છે. બજારમાં રૂ. ૧,૦૦૦ થી ૫,૦૦૦ની રેન્જમાં મળતા સોલર કુકર હવે ગૃહિણીઓની પહેલી પસંદ બની રહ્યા છે, જે કુદરતી ઉર્જાનો મફત ઉપયોગ કરી આપે છે.
આ ઉર્જા સંકટ સામે લડવા માટે મોટા કોર્પોરેટ કેમ્પસ પણ હવે આત્મનિર્ભર બની રહ્યા છે. બેંગલુરુમાં ઈન્ફોસિસ અને કેપજેમિની જેવી દિગ્ગજ કંપનીઓ પોતાના કેમ્પસમાં દરરોજ નીકળતા ટનબંધ ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ બનાવીને રસોઈ બનાવી રહી છે. સોશિયલ મીડિયા પર અત્યારે 'DIY બાયોગેસ' સેટઅપ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે માત્ર ૨,૦૦૦ થી ૧૦,૦૦૦ રૂપિયાના ખર્ચે ઘરે બનાવી શકાય છે અને ઘરના કચરામાંથી ૧-૨ કલાક સુધી મફત રાંધણ ગેસ પૂરો પાડે છે. સરકાર પણ હવે વધુમાં વધુ ઘરોને PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) સાથે જોડવા પર ભાર મૂકી રહી છે, જેથી LPG પરની નિર્ભરતા ઘટાડી શકાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
