હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાવધાન એન્ડ્રોઇડ યુઝર્સ! પ્લે સ્ટોરની ૫૦ એપ્સમાં ઘૂસ્યો 'NoVoice' રાક્ષસ: ફોન રીસેટ કરશો તો પણ નહીં પીછો છોડે!
ગૂગલની સુરક્ષા ભેદીને ૨૩ લાખથી વધુ ડિવાઇસમાં ફેલાયો અદ્રશ્ય માલવેર : બેંકિંગ વિગતો અને અંગત ડેટા ચોરવામાં માહેર આ વાયરસ જૂના એન્ડ્રોઇડ ફોનને બનાવી રહ્યો છે સોફ્ટ ટાર્ગેટ

નવી દિલ્હી: જો તમે એવું માનતા હોવ કે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરેલી દરેક એપ સુરક્ષિત છે, તો તમારે ફરીથી વિચારવાની જરૂર છે. ટેક દુનિયામાં અત્યારે 'NoVoice' નામના એક એવા ખતરનાક માલવેરે દસ્તક આપી છે જેણે સુરક્ષા નિષ્ણાતોની ઊંઘ ઉડાવી દીધી છે. મેકાફી ના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ગેમ્સ, સિસ્ટમ ક્લીનર્સ અને ફોટો ગેલેરી જેવી દેખાતી લગભગ ૫૦ લોકપ્રિય એપ્સની અંદર આ ડિજિટલ રાક્ષસ છુપાયેલો હતો. નવાઈની વાત એ છે કે, આ એપ્સ અત્યાર સુધીમાં ૨૩ લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે, જેનો અર્થ છે કે લાખો લોકોના ખિસ્સામાં પડેલો ફોન અત્યારે જાસૂસીનું સાધન બની ગયો છે.
આ માલવેરની સૌથી ભયાનક બાબત તેની 'રૂટ એક્સેસ' મેળવવાની ક્ષમતા છે. એકવાર તમારા ફોનમાં ઘૂસ્યા પછી, તે એન્ડ્રોઇડની જૂની નબળાઈઓનો ફાયદો ઉઠાવીને આખા ડિવાઇસ પર કબજો જમાવી લે છે. તે એટલો સ્માર્ટ છે કે તમારી જાણ બહાર એપ્સ ઇન્સ્ટોલ કે ડિલીટ કરી શકે છે અને તમારી સંવેદનશીલ માહિતી ચોરીને હેકર્સ સુધી પહોંચાડી શકે છે. સૌથી ચોંકાવનારો ખુલાસો તો એ છે કે આ માલવેર 'અનરિમૂવેબલ' (દૂર ન કરી શકાય તેવો) છે. તે સિસ્ટમમાં એવી રિકવરી સ્ક્રિપ્ટ્સ નાખે છે કે જો તમે ફોનને 'ફેક્ટરી રીસેટ' પણ કરો, તો પણ તે ભૂતની જેમ ફરી પાછો આવી જાય છે.
જોકે, રાહતની વાત એ છે કે ગૂગલે હવે આ ૫૦ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે અને નવા એન્ડ્રોઇડ વર્ઝન ધરાવતા ફોન પર આ વાયરસની અસર ઓછી જોવા મળી છે. તેમ છતાં, જો તમે લાંબા સમયથી તમારા ફોનને અપડેટ નથી કર્યો, તો તમે જોખમમાં હોઈ શકો છો. ટેક નિષ્ણાતો સલાહ આપે છે કે કોઈ પણ અજાણી એપ ડાઉનલોડ કરતા પહેલા તેના રિવ્યૂઝ વાંચો અને પ્લે પ્રોટેક્ટ સ્કેન હંમેશા ચાલુ રાખો. ડિજિટલ યુગમાં તમારી એક નાની ભૂલ તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે, માટે 'સ્માર્ટ' ફોન વાપરતી વખતે 'સાવધાન' રહેવું અનિવાર્ય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
