મહત્વના સમાચારો ઉડતી નજરે 11:40 PM
આકાશી આફતનું 'ચક્રવ્યૂહ': એકસાથે ૪ ચક્રવાતી સિસ્ટમ સક્રિય, આગામી ૭૨ કલાક ભારે!
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની જુગલબંધીથી ગુજરાત સહિત ૧૫થી વધુ રાજ્યોમાં તોફાની પવન સાથે વરસાદની આગાહી : ૭૦ કિમીની ઝડપે ફૂંકાશે પવન અને કરા પડવાનું એલર્ટ

નવી દિલ્હી : ભારતના હવામાનમાં અત્યારે એક અત્યંત દુર્લભ અને ડરામણી કહી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે. દેશના અલગ-અલગ હિસ્સાઓમાં એકસાથે ચાર ચક્રવાતી પરિભ્રમણ અને એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયા છે. આ 'ડબલ એટેક'ને કારણે ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી આખું ભારત આકાશી આફતના ઓથાર હેઠળ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્ય પાકિસ્તાનથી લઈને પંજાબ, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સુધી હવાનું હળવું દબાણ સર્જાયું છે, જેની સીધી અસર આગામી ૭ એપ્રિલથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં જોવા મળશે. દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં ધૂળની ડમરીઓ સાથે વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે.
હિમાલયની ગોદમાં વસેલા જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં તો કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ૪ એપ્રિલ એટલે કે આજથી જ કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી આપવામાં આવી છે. પહાડી વિસ્તારોમાં પવનની ગતિ ૭૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જે પ્રવાસીઓ અને સ્થાનિકો માટે ખતરાની ઘંટડી સમાન છે. મેદાની વિસ્તારોમાં પણ કરા પડવાની શક્યતાને કારણે ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, જે ઉનાળાની શરૂઆતમાં ચોમાસા જેવો માહોલ સર્જશે.
ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે. અરબી સમુદ્રમાં હલચલ વધવાને કારણે માછીમારોને ૯ એપ્રિલ સુધી કચ્છ અને ઓમાનના અખાતમાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ભારતમાં કેરળ અને તમિલનાડુમાં પણ આગામી ૪ દિવસ ભારે વરસાદની સંભાવના છે. એક તરફ ઓડિશામાં કાળઝાળ ગરમી અને ભેજવાળું હવામાન પરેશાન કરી રહ્યું છે, તો બીજી તરફ આ ચક્રવાતી સિસ્ટમ ગમે ત્યારે વાતાવરણ પલટી નાખશે. બદલાતા હવામાનને કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ વધવાનું જોખમ છે, માટે જનતાને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
