હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈરાનના મિસાઈલ બંકરો પર અમેરિકા-ઈઝરાયેલનો પ્રચંડ મારો છતાં ખતરો યથાવત: હુમલાના ગણતરીના કલાકોમાં જ તબાહ થયેલા લોન્ચર્સ ફરી સક્રિય કરવાની ક્ષમતાથી યુએસ ઇન્ટેલિજન્સ ચોંક્યું
પેન્ટાગોનના ૧૧,૦૦૦ ટાર્ગેટના દાવા સામે ગુપ્તચર એજન્સીઓની શંકા: બુલડોઝર વડે કાટમાળ ખસેડી ભૂગર્ભમાંથી ફરી મિસાઈલો છોડી રહ્યું છે તેહરાન, યુદ્ધ લાંબુ ખેંચવાની ઈરાની રણનીતિ

વોશિંગ્ટન : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધમાં અમેરિકા અને ઈઝરાયેલના અત્યાધુનિક બોમ્બ ઈરાનના મિસાઈલ બંકરોને તોડી રહ્યા છે, પરંતુ ઈરાન જે ગતિએ આ નુકસાનની ભરપાઈ કરી રહ્યું છે તેણે અમેરિકી ગુપ્તચર એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી છે. યુએસ ઇન્ટેલિજન્સના તાજેતરના અહેવાલો અનુસાર, ઈરાની કાર્યકરો અમેરિકન અને ઈઝરાયેલી હુમલામાં ત્રાટકેલા ભૂગર્ભ મિસાઈલ સિલો અને બંકરોને હુમલાના ગણતરીના કલાકોમાં જ ફરી કાર્યરત કરી રહ્યા છે. પેન્ટાગોને ભલે પાંચ અઠવાડિયામાં ૧૧,૦૦૦ લક્ષ્યોને વીંધી નાખવાનો દાવો કર્યો હોય, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ઈશારો કરી રહી છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા અન્ના કેલીએ જણાવ્યું કે ઈરાનના ડ્રોન અને મિસાઈલ હુમલાના દરમાં ૯૦ ટકાનો ઘટાડો થયો છે અને તેમની નૌકાદળ લગભગ ખતમ થઈ ગઈ છે. જોકે, ગુપ્તચર અધિકારીઓ માને છે કે આ ઘટાડો ઈરાનની નબળાઈને કારણે નહીં, પરંતુ તેની 'બચાવ રણનીતિ'ને કારણે હોઈ શકે છે. ઈરાન તેના બાકીના મિસાઈલ લોન્ચર્સને ઊંડી ગુફાઓ અને મજબૂત બંકરોમાં છુપાવી રહ્યું છે જેથી યુદ્ધ લાંબુ ખેંચાય તો તે દબાણ જાળવી શકે. પશ્ચિમી અધિકારીઓના મતે, ઈરાન હજુ પણ દરરોજ ૧૫ થી ૩૦ બેલિસ્ટિક મિસાઈલ અને ૧૦૦ જેટલા આત્મઘાતી ડ્રોન ઈઝરાયેલ પર છોડવાની ક્ષમતા ધરાવે છે.
ઈરાનની આ ક્ષમતા પાછળનું સૌથી મોટું કારણ તેનું ભૂગર્ભ નેટવર્ક છે. જ્યારે કોઈ બંકર પર હુમલો થાય છે, ત્યારે ઈરાન બુલડોઝરની મદદથી તાત્કાલિક કાટમાળ દૂર કરી "કોર્ક" થયેલા લોન્ચર્સને ફરીથી ફાયરિંગ માટે તૈયાર કરી દે છે. આ સિવાય ઈરાને મોટી સંખ્યામાં 'ડેકોય' (નકલી લોન્ચર્સ) તૈનાત કર્યા હોવાથી અમેરિકા માટે એ નક્કી કરવું મુશ્કેલ બન્યું છે કે તેમણે નાશ કરેલા લોન્ચર્સ વાસ્તવિક હતા કે માત્ર લાકડાના માળખા. સંરક્ષણ સચિવ પીટ હેગસેથ ભલે ઈરાની શક્તિમાં ઘટાડાના દાવા કરતા હોય, પરંતુ ઇન્ટેલિજન્સ રિપોર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે ઈરાન હજુ પણ પ્રદેશના કોઈપણ દેશ પર ગંભીર હુમલો કરવાની ક્ષમતા જાળવી રાખે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
