News of Saturday, 4th April 2026
બેંગલુરુના રસ્તાઓ પર રિક્ષાઓના પૈડાં થંભી ગયા: ઓટો-LPGની ભારે અછત વચ્ચે ૩ કિમી લાંબી કતારો, કિંમતોમાં લિટરે રૂ. ૫૦નો તોતિંગ વધારો
વૈશ્વિક યુદ્ધની અસરો આઈટી સિટીના રસોડા અને રસ્તાઓ સુધી પહોંચી: અડધી ઓટોરિક્ષાઓ શો-પીસ બની, ખાનગી પંપો પર લૂંટફાટ જેવી સ્થિતિ વચ્ચે ડ્રાઈવરોની કફોડી હાલત

બેંગલુરુ : ભારતનું સિલિકોન વેલી ગણાતું બેંગલુરુ શહેર અત્યારે ઓટો-LPGની ભયંકર કટોકટીનો સામનો કરી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષને પગલે ગેસના પુરવઠામાં સર્જાયેલા વિક્ષેપની સીધી અસર શહેરની પરિવહન સેવા પર પડી છે. હાલત એવી છે કે શહેરની અડધી ઓટોરિક્ષાઓ ગેસના અભાવે રસ્તા પરથી ગાયબ થઈ ગઈ છે. જે રિક્ષાઓ ચાલુ છે, તેમના ચાલકોએ માત્ર ૧૦ કિલો ગેસ મેળવવા માટે ગેસ સ્ટેશનોની બહાર ૩-૩ કિલોમીટર લાંબી કતારોમાં ૫-૫ કલાક સુધી રાહ જોવી પડી રહી છે.
શહેરમાં ગેસના ભાવમાં પણ આસમાની વધારો જોવા મળી રહ્યો છે. સરકારી એજન્સીઓ જે LPG ૮૫ રૂપિયે કિલો વેચી રહી છે, તેની સામે ખાનગી કંપનીઓએ તકનો લાભ ઉઠાવી ભાવ ૧૨૫ થી ૧૩૫ રૂપિયા સુધી પહોંચાડી દીધા છે. ટોટલ ગેસ જેવા મોટા ખાનગી ઓપરેટરોએ પોતાના આઉટલેટ્સ બંધ કરી દીધા છે, જ્યારે અન્ય સ્ટેશનો પર સ્ટોક ખતમ થઈ રહ્યો છે. ગેસ સ્ટેશનના માલિકોના જણાવ્યા મુજબ, યુદ્ધ ફાટી નીકળ્યા બાદ દૈનિક ૪ ટનનો પુરવઠો ઘટીને માત્ર ૨ ટન રહી ગયો છે, જેના કારણે માંગ અને પુરવઠાનું સંતુલન ખોરવાઈ ગયું છે.
આ કટોકટીની સૌથી માઠી અસર ઓટોરિક્ષા ડ્રાઈવરો પર પડી છે. અહેમદ પાશા નામના એક ડ્રાઈવરે પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે, "હું સવારે ૫ વાગ્યે કતારમાં ઉભો રહ્યો ત્યારે માંડ ૧૦.૩૦ વાગ્યે ગેસ મળ્યો. પંપવાળા આખી ટાંકી ભરવાની ના પાડે છે અને માત્ર ૧૦૦૦ રૂપિયાનો ગેસ આપે છે." અનેક ડ્રાઈવરોએ ખર્ચ બચાવવા માટે વર્ષો પહેલા પોતાની રિક્ષામાંથી પેટ્રોલની ટાંકીઓ કઢાવી નાખી હતી, જે હવે તેમના માટે શ્રાપ સમાન સાબિત થઈ રહી છે. અત્યારે માત્ર ઇલેક્ટ્રિક અને CNG રિક્ષાઓ જ રસ્તા પર દોડી રહી છે, જેના કારણે સામાન્ય મુસાફરોને પણ મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
