News of Saturday, 4th April 2026
હોર્મુઝની કટોકટી વચ્ચે ભારત સરકારની જનતાને મોટી હૈયાધારણ: "ઈંધણનો જથ્થો પૂરતો છે, ગભરાટમાં આવીને સંગ્રહખોરી ન કરો", પેટ્રોલ-ડીઝલ અને LPG સપ્લાય પર સ્થિતિ સ્પષ્ટ
યુએસ-ઈરાન જંગની અસરો છતાં દેશમાં તેલ અને ગેસના ભંડાર સલામત: સંગ્રહખોરી કરનારા ૩૭૦૦ સ્થળોએ દરોડા, કાળાબજારિયાઓ સામે લાલ આંખ કરતી કેન્દ્ર સરકાર

નવી દિલ્હી : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભૌગોલિક રાજકીય તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) માં સર્જાયેલા વિક્ષેપો વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને મોટી રાહત આપી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસ (LPG) નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહે અને 'પેનિક બાયિંગ' એટલે કે ગભરાટમાં આવીને જરૂરિયાત કરતા વધુ ઈંધણની ખરીદી કરવાનું ટાળે.
સરકારે જણાવ્યું છે કે ભલે વૈશ્વિક સ્તરે પુરવઠા પર દબાણ વધ્યું છે, પરંતુ ભારત પાસે ક્રૂડ ઓઈલના પર્યાપ્ત ભંડાર છે અને તમામ રિફાઇનરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત છે. ઘરેલું વપરાશકારોને કોઈ તકલીફ ન પડે તે માટે સરકારે ઘરેલું LPG અને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. ખાસ કરીને હોસ્પિટલો અને આવશ્યક સેવાઓ માટે ઈંધણનો અવિરત સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે. ગત શુક્રવારે જ દેશભરમાં ૫૧ લાખ LPG સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે દર્શાવે છે કે વિતરણ વ્યવસ્થા સંપૂર્ણપણે ચુસ્ત છે.
બીજી તરફ, ઈંધણની અછતનો ફાયદો ઉઠાવીને કાળાબજાર કે સંગ્રહખોરી કરનારાઓ સામે તંત્રે લાલ આંખ કરી છે. અત્યાર સુધીમાં દેશભરમાં ૩૭૦૦ થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે અને નિયમોનું ઉલ્લંઘન કરનારા ૧૦૦૦ થી વધુ વિતરકોને નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે ૨૭ ડીલરોના લાયસન્સ સસ્પેન્ડ કરી દેવાયા છે. વાણિજ્યિક ગેસ સિલિન્ડરોનો પુરવઠો હાલમાં ૭૦ ટકા સુધી મર્યાદિત કરીને સામાન્ય લોકોના રસોડા સુધી ગેસ પહોંચાડવા પર ભાર મુકાયો છે. સરકારે લોકોને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને ઊર્જા બચાવવા માટે પણ અનુરોધ કર્યો છે.
(8:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
