<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

મધ્યપ્રદેશમાં હૃદયદ્રાવક દુર્ઘટના: અનુપપુરમાં ચાર માળની હોટલ પત્તાના મહેલની જેમ ધરાશાયી, કાટમાળ નીચે અનેક લોકો દટાયા હોવાની આશંકા

બાજુના પ્લોટમાં ચાલતા ઊંડા ખોદકામે લીધો નિર્દોષનો ભોગ: જેસીબી અને ક્રેન વડે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ, હોટલ ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં મચી ગઈ ચીસાચીસ

અનુપપુર : મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં આજે સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. શહેરની વ્યસ્ત ગણાતી એક ચાર માળની હોટલની ઇમારત અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે, જ્યારે કાટમાળ નીચે હજુ પણ ૬ થી ૭ લોકો ફસાયા હોવાની ભીતિ સેવાઈ રહી છે. ઘટનાને પગલે સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ દુર્ઘટના સાંજે આશરે ૫:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હોટલની બરાબર બાજુમાં આવેલા પ્લોટમાં નવી ઇમારત બનાવવા માટેનું કામ ચાલી રહ્યું હતું. ત્યાં પાયા નાખવા માટે અત્યંત ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતું, જેના કારણે હોટલનો પાયો નબળો પડી ગયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. હોટલની ઇમારત જેવી નીચે પડી કે તરત જ આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને ધૂળના ગોટા ઉડવા લાગ્યા હતા.
બચાવ કામગીરી માટે સ્થાનિક તંત્ર દ્વારા ક્રેન અને જેસીબી મશીનો બોલાવવામાં આવ્યા છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવકર્મીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, હોટલની બાજુમાં ચાલી રહેલા બાંધકામને કારણે ઇમારતની સ્થિરતા જોખમાઈ હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી. હાલમાં પ્રથમ પ્રાથમિકતા ફસાયેલા લોકોને જીવિત બહાર કાઢવાની છે, ત્યારબાદ આ મામલે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

(9:11 PM IST)