હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહકો સાથે 'સ્લો પોઈઝનિંગ'નો ખતરનાક ખેલ: રેસ્ક્યુના નામે ચાલતા ₹૨૦૦ કરોડના આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ
ખોરાકમાં બેકિંગ સોડા ભેળવી શેરપાઓ ટ્રેકર્સને કરે છે બીમાર: હેલિકોપ્ટર કંપનીઓ અને હોસ્પિટલોની મિલીભગતથી વીમા કંપનીઓને કરોડોનો ચૂનો, નેપાળના પર્યટન ઉદ્યોગ પર સંકટના વાદળો

કાઠમંડુ : વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવાનું સપનું જોનારા પર્વતારોહકો અત્યારે એક ભયાનક ષડયંત્રનો શિકાર બની રહ્યા છે. સાહસ અને શૌર્યની આ ભૂમિ પર અંદાજે ૨૦ મિલિયન ડોલર એટલે કે ૨૦૦ કરોડ રૂપિયાનું મોટું 'રેસ્ક્યુ કૌભાંડ' ફૂલ્યું-ફાલ્યું છે. નેપાળની હદમાં આવતા હિમાલયન ક્ષેત્રમાં ટ્રેકિંગ કંપનીઓ, હેલિકોપ્ટર સંચાલકો અને હોસ્પિટલોએ મળીને એક એવી સિન્ડિકેટ બનાવી છે જે પર્વતારોહકોના જીવ સાથે ચેડાં કરીને વીમા કંપનીઓ પાસેથી લાખો ડોલર ખંખેરે છે.
આ કૌભાંડની કાર્યપદ્ધતિ એટલી ચોંકાવનારી છે કે સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય. પર્વતારોહકો જ્યારે એવરેસ્ટ બેઝ કેમ્પથી ઉપર જાય છે, ત્યારે તેમની સાથે રહેલા કેટલાક ભ્રષ્ટ શેરપાઓ અને ગાઈડ્સ તેમના ભોજનમાં ગુપ્ત રીતે 'બેકિંગ સોડા' ઉમેરી દે છે. સામાન્ય રીતે રસોઈમાં વપરાતો બેકિંગ સોડા ૫૦૦૦ મીટરની ઊંચાઈ પર જીવલેણ સાબિત થાય છે. આ સોડાવાળો ખોરાક ખાવાથી પર્વતારોહકના પેટમાં પાચન સંબંધી સમસ્યાઓ અને 'બ્લોટિંગ' (આફરો) થાય છે. ઊંચાઈ પર ઓક્સિજન ઓછો હોવાને કારણે પેટ ફૂલવાથી ટ્રેકરને શ્વાસ લેવામાં ભારે તકલીફ થાય છે અને તેને લાગે છે કે તેને 'હાઈપોક્સિયા' થઈ રહ્યો છે.
આ નકલી બીમારીનો લાભ લઈને તરત જ ઈમરજન્સી હેલિકોપ્ટર રેસ્ક્યુનું નાટક રચવામાં આવે છે. પર્વતારોહક ગભરાઈને રેસ્ક્યુ માટે તૈયાર થઈ જાય છે અને તેને એર એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. અહીં અસલી ખેલ શરૂ થાય છે; પર્વતારોહકે કરાવેલા કરોડોના વીમાનો ઉપયોગ કરીને હોસ્પિટલ અને એજન્સીઓ મળીને ખોટા અને તોતિંગ બિલ તૈયાર કરે છે. વીમા કંપનીઓ જ્યારે આ રકમ ચૂકવે છે, ત્યારે તેનો મોટો હિસ્સો (૨૦% થી વધુ) ટૂર ગાઈડ્સ અને એજન્સીઓ વચ્ચે વહેંચી લેવામાં આવે છે.
નેપાળ પોલીસના સંગઠિત ક્રાઈમ યુનિટે આ મામલે ૩૨ લોકો સામે કેસ નોંધ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે એક જ હેલિકોપ્ટરમાં ૪ લોકોને લાવવામાં આવ્યા હોવા છતાં, વીમા કંપની પાસે ૪ અલગ-અલગ ફ્લાઈટના પૈસા વસૂલવામાં આવ્યા હતા. આ કૌભાંડનો પર્દાફાશ થતા અનેક આંતરરાષ્ટ્રીય વીમા કંપનીઓએ નેપાળ જનારા પર્વતારોહકોનો વીમો લેવાનું બંધ કરી દીધું છે, જે નેપાળના અર્થતંત્ર માટે મોટા ફટકા સમાન છે. જે શિખર સર કરવો પર્વતારોહકો માટે ગૌરવની વાત હતી, ત્યાં હવે લોભ અને લાલચનું 'સ્લો પોઈઝન' ફેલાઈ રહ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
