<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ગુરુ-શિષ્યના અમર પ્રેમનું હૃદયસ્પર્શી દ્રશ્ય: વહાલા શિક્ષિકાની વિદાયની જાહેરાત થતા જ આખો ક્લાસ હિબકે ચડ્યો, સોશિયલ મીડિયા પર વિડિયો વાયરલ

"મેડમ, અમને છોડીને ના જશો": ક્લાસરૂમમાં છવાયો ગમગીનીનો માહોલ, રડતા ભૂલકાઓને ગળે લગાડી શિક્ષિકા પણ ભાવુક થયા, ઈન્ટરનેટ યુઝર્સની આંખો પણ ભીની થઈ

રાજકોટ : શાળા જીવનમાં શિક્ષક માત્ર જ્ઞાન આપનાર ગુરુ જ નથી હોતા, પરંતુ એક બીજી માતા સમાન હોય છે. આ વાતને સાર્થક કરતો એક અત્યંત ભાવનાત્મક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. એક ક્લાસરૂમમાં જ્યારે શિક્ષિકાએ હસતા મોઢે બાળકોને સમાચાર આપ્યા કે આજે તેમનો શાળામાં છેલ્લો દિવસ છે, ત્યારે ગણતરીની સેકન્ડોમાં જ હસતા-રમતા બાળકોના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ હતી અને આખો વર્ગખંડ ડૂસકે ભરાયો હતો.
ઈન્સ્ટાગ્રામ પર @ebuu_dd નામના યુઝર દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શિક્ષિકા બાળકો સાથે સામાન્ય રીતે વાતચીત શરૂ કરે છે, પરંતુ જેવી તેઓ પોતાની વિદાય (બદલી અથવા રાજીનામું) ની જાહેરાત કરે છે, કે તરત જ બાળકો પોતાની જાત પરનો કાબૂ ગુમાવી દે છે. નાના ભૂલકાઓ પોતાના વહાલા શિક્ષિકાને વળગીને રડવા લાગે છે. બાળકોનો આ નિખાલસ પ્રેમ જોઈને પથ્થર દિલના માણસની આંખ પણ ભીની થઈ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષિકા પોતે પણ બાળકોને રડતા જોઈને ભાવુક થઈ ગયા હતા અને દરેક વિદ્યાર્થીને હૂંફ આપી છાના રાખવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.
આ વીડિયો પર નેટિઝન્સ દિલ જીતી લે તેવી કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા લોકોએ લખ્યું કે, "એક સારા શિક્ષક માટે આનાથી મોટો કોઈ પુરસ્કાર હોઈ જ ના શકે." તો કોઈએ પોતાના જૂના શિક્ષકોને યાદ કરતા કહ્યું કે, "પ્રિય શિક્ષકની વિદાય એ જીવનમાં પહેલીવાર દિલ તૂટવા જેવો અનુભવ હોય છે." આ વિડિયોએ સાબિત કરી દીધું છે કે ટેકનોલોજીના આ યુગમાં પણ ગુરુ અને શિષ્ય વચ્ચેનો આત્મીય સંબંધ આજે પણ એટલો જ જીવંત અને પવિત્ર છે. વીડિયોમાં કેપ્શન આપવામાં આવ્યું છે કે, "શિક્ષક માત્ર ભણાવતા નથી, પણ માર્ગદર્શન અને પ્રેરણા આપીને બીજી માતાની ગરજ સારે છે."

(10:04 PM IST)