<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

સબરીમાલા વિવાદ: સુપ્રીમ કોર્ટની ૯ જજોની બંધારણીય બેંચ ૭ એપ્રિલથી કરશે ઐતિહાસિક સુનાવણી, ધાર્મિક આઝાદી અને સમાનતાના અધિકાર પર થશે ફેંસલો

મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતામાં દેશના સૌથી મોટા ધાર્મિક મુદ્દાઓ પર મંથન: મસ્જિદોમાં મહિલાઓનો પ્રવેશ અને પારસી મહિલાઓના અધિકારો સહિતના વ્યાપક પ્રશ્નોની થશે ન્યાયિક સમીક્ષા

નવી દિલ્હી : ભારતના ન્યાયિક ઇતિહાસમાં અત્યંત મહત્વનો ગણાતો સબરીમાલા મંદિર પ્રવેશ અને તેની સાથે જોડાયેલા ધાર્મિક પ્રથાઓનો વિવાદ હવે નિર્ણાયક તબક્કે પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળ ૯ ન્યાયાધીશોની બંધારણીય બેંચની રચના કરી છે, જે આગામી ૭ એપ્રિલથી આ જટિલ મામલાની સુનાવણી શરૂ કરશે. આ બેંચમાં જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ એમ.એમ. સુંદરેશ સહિતના દિગ્ગજ ન્યાયમૂર્તિઓનો સમાવેશ થાય છે.
આ સુનાવણી માત્ર સબરીમાલા મંદિર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે દેશના વિવિધ ધર્મોમાં પ્રચલિત પરંપરાઓ અને બંધારણીય અધિકારો વચ્ચેના સંઘર્ષને ઉકેલવા માટેનો એક મોટો પ્રયાસ છે. અગાઉ ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે તમામ વયની મહિલાઓને મંદિરમાં પ્રવેશની મંજૂરી આપી હતી, જેનો ભારે વિરોધ થયા બાદ સમીક્ષા અરજીઓ દાખલ થઈ હતી. હવે ૯ જજોની આ મોટી બેંચ એ નક્કી કરશે કે શું કોર્ટ ધર્મની 'આવશ્યક પ્રથાઓ'માં દખલ કરી શકે કે કેમ? અને ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર સમાનતાના અધિકાર કરતા કેટલો મોટો છે?
આ ઐતિહાસિક કેસમાં કુલ ૭ મુખ્ય પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સૌથી મહત્વનો મુદ્દો 'બંધારણીય નૈતિકતા' અને ધાર્મિક સંપ્રદાયોના અધિકારોનો છે. આ સુનાવણીની અસર માત્ર હિન્દુ ધર્મ પર જ નહીં, પરંતુ મસ્જિદોમાં મુસ્લિમ મહિલાઓના પ્રવેશ, દાઉદી વ્હોરા સમુદાયમાં સામાજિક બહિષ્કાર અને પારસી મહિલાઓના અગિયારીમાં પ્રવેશ જેવા પડતર કેસો પર પણ પડશે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જૈન સંગઠનોએ પણ આમાં હસ્તક્ષેપ કર્યો હોવાથી આ આખો મામલો રાષ્ટ્રીય ફલક પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(10:11 PM IST)