હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોંગ્રેસમાં 'બગાવત'ના સૂર! રાહુલ ગાંધીની વિદેશ નીતિ સામે પક્ષના જ દિગ્ગજોએ મોરચો ખોલ્યો
ઈઝરાયલ-ઈરાન યુદ્ધ અને LPG કટોકટી પર કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઈ: શશિ થરૂર અને આનંદ શર્મા જેવા મહારથીઓએ રાહુલની લાઈન કાપી મોદી સરકારની વિદેશ નીતિના કર્યા ગુણગાન : પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ

નવી દિલ્હી: ભારતીય રાજકારણમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે, કારણ કે કોંગ્રેસના હાઈકમાન્ડ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ વચ્ચેના મતભેદો સપાટી પર આવ્યા છે. મધ્ય પૂર્વના યુદ્ધ અને તેના કારણે સર્જાયેલી સંભવિત LPG કટોકટી મુદ્દે રાહુલ ગાંધી જ્યારે કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે તેમના જ પક્ષના ચાર દિગ્ગજ નેતાઓ—આનંદ શર્મા, કમલનાથ, શશિ થરૂર અને મનીષ તિવારીએ વિરોધાભાસી નિવેદનો આપીને હડકંપ મચાવી દીધો છે. રાહુલ ગાંધી ભારતની વિદેશ નીતિને "નબળી" ગણાવી રહ્યા છે, જ્યારે શશિ થરૂર તેને "જવાબદાર મુત્સદ્દીગીરી" ગણાવી સરકારની પીઠ થાબડી રહ્યા છે, જે દર્શાવે છે કે પક્ષમાં નેતૃત્વના વિચારો અને વરિષ્ઠોના અનુભવ વચ્ચે મોટી તિરાડ પડી છે.
આ વિવાદમાં સૌથી વધુ આઘાતજનક વળાંક ત્યારે આવ્યો જ્યારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે LPGની અછત બાબતે રાહુલ ગાંધીના દાવાને સદંતર નકારી દીધો. રાહુલ ગાંધી દેશમાં ગેસની કમી હોવાનું કહી રહ્યા છે, ત્યારે કમલનાથે સ્પષ્ટ કર્યું કે "આવી કોઈ અછત નથી, માત્ર વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે." આ નિવેદને ભાજપને બેઠું ભાથું પૂરું પાડ્યું છે. જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા ભાજપના નેતાઓ હવે કોંગ્રેસ પર પ્રહાર કરી રહ્યા છે કે જ્યારે તેમના જ નેતાઓ સત્ય સ્વીકારી રહ્યા છે, ત્યારે રાહુલ ગાંધીએ માત્ર રાજકીય રોટલા શેકવા માટે જનતામાં ભય ફેલાવવાનું બંધ કરવું જોઈએ.
માત્ર ગેસ કટોકટી જ નહીં, પણ ઈરાનના નેતા ખામેનીના મુદ્દે અને 'ઓપરેશન સિંદૂર'ના સમયથી જ આ નેતાઓ રાહુલ ગાંધીની "એગ્રેસિવ" પોલિસીથી અલગ ચાલતા દેખાય છે. આનંદ શર્માએ રાષ્ટ્રીય હિતમાં પરિપક્વ પ્રતિભાવની જરૂરિયાત પર ભાર મૂકીને પરોક્ષ રીતે રાહુલને સલાહ આપી દીધી છે કે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર રાજનીતિ ન થવી જોઈએ. કોંગ્રેસની અંદર આ પ્રકારે જૂના અને નવા નેતાઓ વચ્ચે સર્જાયેલું આ 'વૈચારિક યુદ્ધ' આગામી સમયમાં પક્ષના સંગઠન અને તેની છબી પર કેવો પ્રભાવ પાડશે, તે જોવું રસપ્રદ રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
