હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હોટલ-રેસ્ટોરન્ટ માલિકો માટે આકરા તેવર: PNG કનેક્શન વગર હવે નહીં મળે કોમર્શિયલ સિલિન્ડર!
દિલ્હી સરકારનો મોટો નિર્ણય: પ્રદૂષણ ઘટાડવા ગેસ સપ્લાયના નિયમોમાં ધરખમ ફેરફાર, હવે લાલ સિલિન્ડર જોઈતું હોય તો પાઈપલાઈન ગેસ માટે ફરજિયાત કરવી પડશે અરજી

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો માટે સરકાર તરફથી મહત્વના સમાચાર આવ્યા છે. દિલ્હી સરકારે વાણિજ્યિક LPG સિલિન્ડરના પુરવઠા માટેની નીતિ વધુ કડક બનાવી દીધી છે. નવા આદેશ મુજબ, જે વિસ્તારોમાં પાઈપ્ડ નેચરલ ગેસનું નેટવર્ક ઉપલબ્ધ છે, ત્યાંના વેપારીઓને કોમર્શિયલ ગેસ સિલિન્ડર ત્યારે જ મળશે જો તેમણે PNG કનેક્શન માટે અરજી કરી હોય અથવા તેમની પાસે પહેલેથી જ કનેક્શન હોય. પ્રદૂષણ નિયંત્રણ અને ઈંધણના કાર્યક્ષમ વપરાશ માટે આ સુધારેલી નીતિ 2 એપ્રિલથી અમલી બનાવવામાં આવી છે.
સરકારના આ આદેશથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ની જવાબદારી પણ વધી ગઈ છે. હવે વાણિજ્યિક અને ઔદ્યોગિક ગ્રાહકોએ LPG મેળવવા માટે આ કંપનીઓમાં નોંધણી કરાવવી પડશે અને PNG નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં શિફ્ટ થવાની તૈયારી બતાવવી પડશે. જે વિસ્તારોમાં હજુ સુધી પાઈપલાઈન પહોંચી નથી, ત્યાંના ગ્રાહકોએ ભવિષ્યમાં PNG ઉપલબ્ધ થતા જ તેના પર સ્વિચ કરવાનો લેખિત ઈરાદો વ્યક્ત કરવો પડશે. આ માટેના તમામ દસ્તાવેજોની ચકાસણી તેલ કંપનીઓ કરશે અને ત્યારબાદ આ રેકોર્ડ ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) ને સોંપવામાં આવશે.
જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ સંચાલકને ખાસ સંજોગોમાં PNG અને LPG બંનેની જરૂરિયાત હોય, તો તેમણે વધારાના કમિશનરને અરજી કરવી પડશે. ત્યારબાદ સરકારી અધિકારીઓ અને ત્રણેય મુખ્ય ઓઈલ કંપનીઓ સાથે પરામર્શ કરીને જ અંતિમ નિર્ણય લેવામાં આવશે. સરકારના આ પગલાથી રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં હલચલ મચી ગઈ છે, કારણ કે ઘણા વેપારીઓ હજુ પણ પરંપરાગત સિલિન્ડર પર નિર્ભર છે. આ નવી નીતિનો મુખ્ય હેતુ દિલ્હીના ઔદ્યોગિક અને વ્યાપારી એકમોને સ્વચ્છ ઈંધણ તરફ વાળવાનો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
