હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુદ્ધના મેદાનમાં સંવેદનાની પરાકાષ્ઠા: ગુમ થયેલા અમેરિકી પાયલટની માતાની હૃદયદ્રાવક અપીલ, ઈરાને વળતો જવાબ આપતા કહ્યું- "તમારો પુત્ર ટ્રમ્પ કરતા અમારી પાસે વધુ સુરક્ષિત છે"
F-15E ફાઈટર જેટ તોડી પાડ્યા બાદ પાયલટની શોધખોળ તેજ: સોશિયલ મીડિયા પર માતાની 'પ્રાર્થના' વાયરલ થઈ, ઈરાની દૂતાવાસે 'માનવતા'નો દાવો કરીને અમેરિકી તંત્ર પર કર્યા આકરા પ્રહાર

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચેના ભીષણ લશ્કરી સંઘર્ષમાં મિસાઈલો અને બોમ્બના ધડાકા વચ્ચે એક માતાની લાચારી અને મજબૂરીએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. યુદ્ધમાં ફાઈટર જેટ તોડી પાડવામાં આવ્યા બાદ ગુમ થયેલા એક અમેરિકી પાયલટની માતાએ સોશિયલ મીડિયા પર હૃદયસ્પર્શી અપીલ કરતા લખ્યું છે કે, "મારું હૃદય ભયથી ફફડી રહ્યું છે, મારા પુત્ર અને તેના સાથી માટે પ્રાર્થના કરો." આ ભાવનાત્મક પોસ્ટ બાદ ઈરાને જે પ્રતિભાવ આપ્યો છે તેનાથી રાજકીય ગરમાવો વધી ગયો છે.
ઘટનાની વિગત એવી છે કે ૩ એપ્રિલના રોજ ઈરાને અમેરિકાના અત્યાધુનિક F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાનને તોડી પાડ્યું હતું. આ વિમાનમાં બે ક્રૂ સભ્યો હતા, જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે પરંતુ બીજો પાયલટ હજુ પણ ગુમ છે. અમેરિકી સેના જ્યારે પોતાના સૈનિકને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહી છે, ત્યારે પાયલટની માતાની "મને હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી" તેવી આજીજીએ લાખો લોકોની આંખો ભીની કરી દીધી છે.
જોકે, આ માનવીય સંવેદનાના મુદ્દે પણ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ઈરાની દૂતાવાસોએ સોશિયલ મીડિયા પર આ અપીલનો વિવાદાસ્પદ જવાબ આપતા જણાવ્યું કે, "તમારા દીકરાઓ અમારી કસ્ટડીમાં વધુ સુરક્ષિત છે. અમે યુદ્ધબંદીઓ સાથે આદર અને માનવતાથી વર્તીએ છીએ." ઈરાને તો ત્યાં સુધી કટાક્ષ કર્યો કે અમેરિકી તંત્ર દ્વારા બચાવવામાં આવે તેના કરતા ઈરાનની કસ્ટડીમાં રહેવું પાયલટ માટે વધુ સારું છે.
હાલમાં દક્ષિણ-પશ્ચિમ ઈરાનના રણ અને પહાડી વિસ્તારોમાં ગુમ થયેલા પાયલટને શોધવા માટે અમેરિકા અને ઈરાન બંનેના સ્પેશિયલ ફોર્સ વચ્ચે જાણે 'રેસ' લાગી છે. એક તરફ ડ્રોન અને સેટેલાઈટ દ્વારા લોકેશન ટ્રેસ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ આ માતાની પ્રતિક્ષા ક્યારે અંત આવશે તે મોટો પ્રશ્ન છે. આ યુદ્ધ માત્ર શસ્ત્રોથી જ નહીં, પરંતુ હવે નિવેદનબાજી અને માનસિક દબાણ દ્વારા પણ લડાઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
