હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અવકાશમાં કુદરતી હાજત રોકવી છે મુશ્કેલ: NASA એ આર્ટેમિસ II મિશન માટે બનાવ્યું ₹278 કરોડનું ખાસ શૌચાલય, જાણો શૂન્ય ગુરુત્વાકર્ષણમાં કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
એપોલો મિશનની પ્લાસ્ટિક બેગથી લઈને અત્યાધુનિક UWMS સુધીની સફર: માઇક્રોગ્રેવીટીમાં ગંદકી ન ફેલાય તે માટે વેક્યુમ ટેકનોલોજીનો ઉપયોગ, અવકાશયાત્રીઓને મળી મોટી રાહત

વોશિંગ્ટન : અવકાશ વિજ્ઞાનમાં જ્યારે આપણે ચંદ્ર પર જવાની વાત કરીએ છીએ ત્યારે ટેકનોલોજી અને રોકેટની ચર્ચા તો ખૂબ થાય છે, પરંતુ અવકાશયાત્રીઓ ત્યાં પોતાની કુદરતી હાજત (ટોયલેટ) કેવી રીતે પૂરી કરતા હશે તે જાણીને તમને આશ્ચર્ય થશે. નાસાના તાજેતરના આર્ટેમિસ II મિશનમાં અવકાશયાત્રીઓની સુવિધા માટે ₹278 કરોડ ($30 મિલિયન) ના અધધ ખર્ચે એક ખાસ શૌચાલય સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે, જેને 'યુનિવર્સલ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ' (UWMS) નામ આપવામાં આવ્યું છે. ઓરિઅન અવકાશયાનમાં લાગેલી આ સિસ્ટમ અત્યાર સુધીની સૌથી મોંઘી અને આધુનિક ટોયલેટ સિસ્ટમ માનવામાં આવે છે.
અવકાશમાં પૃથ્વી જેવું ગુરુત્વાકર્ષણ હોતું નથી, તેથી ત્યાં દરેક વસ્તુ હવામાં તરે છે. જો શૌચાલયની વ્યવસ્થા યોગ્ય ન હોય તો કચરો કેબિનમાં ફેલાઈ શકે છે જે જીવલેણ સાબિત થાય. આ સમસ્યાના ઉકેલ માટે નવી UWMS સિસ્ટમ વેક્યુમ ક્લીનરની જેમ કામ કરે છે. તે પ્રવાહી અને ઘન કચરાને ખેંચીને સુરક્ષિત કન્ટેનરમાં જમા કરે છે. અગાઉના એપોલો મિશનમાં અવકાશયાત્રીઓએ સ્પેસસુટમાં ખાસ સાધનો અને પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરવો પડતો હતો, જે અત્યંત અસુવિધાજનક અને જોખમી હતું. પરંતુ હવે ઓરિઅન યાનમાં અવકાશયાત્રીઓને નાનકડો પણ ખાનગી કમ્પાર્ટમેન્ટ મળ્યો છે, જે તેમને ગોપનીયતા અને સગવડ પૂરી પાડે છે.
આ હાઈ-ટેક શૌચાલય વાપરતી વખતે અવકાશયાત્રીઓએ ખાસ હેન્ડ્રેઇલ અને પગના ટેકાનો ઉપયોગ કરવો પડે છે જેથી તેઓ હવામાં ફંગોળાઈ ન જાય. રસપ્રદ વાત એ છે કે આ સિસ્ટમ એટલી ઘોંઘાટીયા છે કે અવકાશયાત્રીઓએ ઘણીવાર તેનો ઉપયોગ કરતી વખતે કાનમાં પ્રોટેક્શન પહેરવું પડે છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર તો પેશાબને રિસાયકલ કરીને પીવાલાયક પાણીમાં ફેરવવામાં આવે છે, જોકે આર્ટેમિસના ટૂંકા મિશનમાં અત્યારે કચરાને પૃથ્વી પર પાછો લાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
અવકાશ વિજ્ઞાનમાં આ પ્રકારની શોધ માત્ર સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે અવકાશયાત્રીઓના સ્વાસ્થ્ય અને મિશનની સફળતા માટે અનિવાર્ય છે. ₹278 કરોડનું આ શૌચાલય સાબિત કરે છે કે અંતરિક્ષના લાંબા પ્રવાસમાં માનવીય જરૂરિયાતોનું સંચાલન કરવું એ પણ રોકેટ સાયન્સ જેટલું જ જટિલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
