<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મોટો ખળભળાટ: અડધી રાત પછી ૧૭ લાખ મતો પડ્યા હોવાનો દાવો, માત્ર ૬ સેકન્ડમાં વોટિંગ થતા ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો

દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે રજૂ કર્યા ચોંકાવનારા આંકડા: ૩,૫૦૦ બૂથ પર મોડી રાત્રે ૨ વાગ્યા સુધી મતદાન ચાલ્યું હોવાનો ગંભીર આક્ષેપ, વિપક્ષમાં મચ્યો ફફડાટ

નવી દિલ્હી : વર્ષ ૨૦૨૪ની આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને બે વર્ષ બાદ ફરી એકવાર મોટો વિવાદ છેડાયો છે. દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જાણીતા અર્થશાસ્ત્રી પરકલા પ્રભાકરે આંધ્રપ્રદેશની ચૂંટણીમાં થયેલા મતદાનની પેટર્ન સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ચૂંટણી દરમિયાન અનેક 'અસામાન્ય' ઘટનાઓ બની હતી, જેમાં અડધી રાત પછી લાખો મતો પડ્યા હતા અને કેટલીક જગ્યાએ તો માત્ર ૬ સેકન્ડમાં એક વોટ પડ્યો હોવાનું નોંધાયું છે.
પરકલા પ્રભાકરના જણાવ્યા અનુસાર, કુલ મતોના આશરે ૪.૧૬% એટલે કે લગભગ ૧૭ લાખ જેટલા મતો રાત્રે ૧૧:૪૫ થી મોડી રાત્રે ૨:૦૦ વાગ્યાની વચ્ચે પડ્યા હતા. આ મતો ૩,૫૦૦ જેટલા મતદાન મથકો પર પડ્યા હોવાનું કહેવાય છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે આ મોડી રાત્રે પડેલા મતોમાં એનડીએ (NDA) ગઠબંધનને મોટો ફાયદો થયો હતો. નોંધનીય છે કે આ ચૂંટણીમાં ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) ની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધને ૧૭૫માંથી ૧૬૪ બેઠકો જીતીને જંગી બહુમતી મેળવી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલા ડેટા મુજબ, મતદાનની ઝડપ પણ શંકાના દાયરામાં છે. સામાન્ય રીતે એક વોટ નાખવામાં જે સમય લાગે છે તેના કરતા ઘણો ઓછો સમય, એટલે કે માત્ર ૬ સેકન્ડમાં મતદાન થયું હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આટલી ઝડપથી મતદાન થવું એ ટેકનિકલી અને વ્યવહારુ રીતે અશક્ય હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. આ આંકડાઓએ સમગ્ર દેશના રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે.
ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી આ આક્ષેપો અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપવામાં આવી નથી, પરંતુ વિપક્ષી નેતાઓ આ મુદ્દે તપાસની માંગ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશની આ ચૂંટણીમાં જનસેના પાર્ટીના પવન કલ્યાણ અને ભાજપ પણ ટીડીપી સાથે ગઠબંધનમાં હતા. અત્યારે જ્યારે ૨૦૨૬ની અન્ય રાજ્યોની ચૂંટણીઓ નજીક છે, ત્યારે જૂના આંકડાઓના આ નવા ઘટસ્ફોટે રાજકીય વાતાવરણ ગરમાવી દીધું છે.

(11:24 PM IST)