<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ઉત્તર પ્રદેશમાં કુદરતનો કહેર: કાનપુરમાં 70 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ મચાવી તબાહી, વૃક્ષો અને થાંભલા ધરાશાયી થતા 4 ના કરૂણ મોત

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે યુપીના 20 જિલ્લાઓમાં હાઈ-એલર્ટ: કાનપુરમાં અંધારપટ છવાયો, રસ્તાઓ પર ટ્રાફિક જામ અને 19 ટ્રેનોના પૈડા થંભી ગયા, ખેતીના પાકને પણ મોટું નુકસાન

કાનપુર : ઉત્તર પ્રદેશમાં શનિવારે સાંજે હવામાનમાં આવેલા ઓચિંતા પલટાએ ભારે વિનાશ વેર્યો છે. કાનપુર સહિત આસપાસના વિસ્તારોમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા જોરદાર પવન અને કરા સાથેના વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કાનપુર શહેરમાં જ વાવાઝોડાના કારણે 200 થી વધુ ઘટાદાર વૃક્ષો અને 92 વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે, જેના પરિણામે 100 થી વધુ વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. આ કુદરતી આફતમાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના દુઃખદ સમાચાર મળી રહ્યા છે.
કાનપુરના કાકદેવ વિસ્તારમાં એક ઓટો-રિક્ષા પર ઝાડ પડતા મહિલા અને ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આવી જ રીતે કાસગંજમાં બાઇક પર સવાર ભાઈ-બહેન પર વૃક્ષ પડતા બંનેના કરૂણ મોત થયા છે. આ તોફાન એટલું ભયાનક હતું કે સાંજે 4 વાગ્યે જ આખું શહેર કાળા વાદળોને કારણે અંધારામાં ડૂબી ગયું હતું. શહેરના 58 મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને રેલ્વે વ્યવહારને પણ માઠી અસર પહોંચી છે. દિલ્હી-ફર્રુખાબાદ અને કાનપુર-ઝાંસી રૂટ પર 19 ટ્રેનો વિવિધ સ્થળોએ ફસાઈ ગઈ હતી.
બચાવ કામગીરી માટે પ્રશાસન હરકતમાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 કર્મચારીઓ અને 500 થી વધુ પોલીસ જવાનો રસ્તાઓ પરથી વૃક્ષો હટાવવા અને ટ્રાફિક પૂર્વવત કરવા માટે કામે લાગ્યા છે. બીજી તરફ, વાવાઝોડા અને વરસાદને કારણે મુસાફરોની સંખ્યા ઘટતા પરિવહન નિગમે 56 બસો રદ કરવી પડી હતી. લખનૌ, આગ્રા અને દિલ્હી રૂટ પર જતી બસોને રાત્રે 9 વાગ્યા પછી અને 50 કિમીથી ઓછી ઝડપે ચલાવવાની કડક સૂચના આપવામાં આવી છે.
હોસ્પિટલની બહાર ઉભેલી ઓટો-રિક્ષા પર ઝાડ પડવાની ઘટનાએ સૌને હચમચાવી દીધા છે. કલ્યાણપુરની એક મહિલા પોતાની બે પુત્રીઓ સાથે સારવાર માટે હોસ્પિટલ ગઈ હતી, જ્યાં પરત ફરતી વખતે કુદરતે કહેર વર્તાવ્યો હતો. ખેડૂતો માટે પણ આ વરસાદ આફત બનીને આવ્યો છે, કારણ કે તૈયાર પાકને આ વાવાઝોડા અને કરાને કારણે મોટું નુકસાન થયું છે.

(11:24 PM IST)