હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
લાઇવ સ્ટ્રીમમાં પાકિસ્તાની યુટ્યુબરની ગુન્ડાગીરી: ભારતીય પત્રકાર વિક્રાંત ગુપ્તાને ધમકી આપવા હવામાં ફાયરિંગ કર્યું, સોશિયલ મીડિયા પર મચ્યો ભારે હોબાળો
લાહોરના મોહસીન અલીએ કેમેરા સામે બંદૂક લહેરાવી પશુતાનું પ્રદર્શન કર્યું: "આ ગોળી વિક્રાંત માટે જ રાખી છે" કહી ઘરમાં જ ગોળીબાર કર્યો, નેટીઝન્સે પીએમ મોદીને હસ્તક્ષેપ કરવા કરી વિનંતી

લાહોર : પાકિસ્તાની યુટ્યુબર્સની શિસ્તહીનતા અને ભારત વિરોધી ઝેર ઓકવાની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, પરંતુ આ વખતે તમામ હદો વટાવી દેવામાં આવી છે. લાહોરના રહેવાસી અને પાકિસ્તાની યુટ્યુબર મોહસીન અલીએ એક લાઈવ વીડિયો દરમિયાન જાણીતા ભારતીય સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ વિક્રાંત ગુપ્તાને જીવથી મારી નાખવાની ધમકી આપી છે. આટલેથી જ ન અટકતા, આ યુટ્યુબરે કેમેરાની સામે જ બંદૂક કાઢીને પોતાના ઘરની અંદર સોફા પાછળ ઉભા રહીને ફાયરિંગ પણ કર્યું હતું, જેનો વીડિયો હાલ ઇન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થયેલા આ આઘાતજનક વીડિયોમાં મોહસીન અલી અત્યંત ઉશ્કેરાયેલી હાલતમાં જોવા મળે છે. તે વિક્રાંત ગુપ્તાનું નામ લઈને કહી રહ્યો છે કે તેણે આ બંદૂક ખાસ કરીને તેમના પર ગોળીબાર કરવા માટે જ વસાવી છે. વીડિયોમાં તે જે રીતે એર ગનથી ફાયરિંગ કરે છે, તે જોતા સ્પષ્ટ થાય છે કે તેને કાયદા કે કોઈના જીવની જરા પણ પરવા નથી. જો આ ગોળી ભૂલથી કોઈને વાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. પબ્લિક પ્લેટફોર્મ પર આ પ્રકારે હથિયારોનું પ્રદર્શન અને ધમકી આપવી એ ગંભીર ગુનો માનવામાં આવે છે.
આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. અનેક લોકોએ મોહસીન અલીને "આતંકવાદી" ગણાવીને તેની ધરપકડની માંગ કરી છે. ભારતીય યુઝર્સે ટ્વિટર (X) પર આ વીડિયો શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારને આ બાબતે કડક પગલાં લેવા અને પાકિસ્તાન સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવવા વિનંતી કરી છે. લોકોનું કહેવું છે કે આવા અસામાજિક તત્વોને ડિજિટલ પ્લેટફોર્મ પર સ્થાન ન મળવું જોઈએ અને યુટ્યુબે પણ તેનું એકાઉન્ટ તાત્કાલિક બંધ કરવું જોઈએ.
રમતગમતના પત્રકારો પર આ પ્રકારે વ્યક્તિગત હુમલા અને જીવલેણ ધમકીઓ મળવી એ પત્રકારત્વ જગત માટે પણ ચિંતાનો વિષય છે. ખાસ કરીને ભારત અને પાકિસ્તાન વચ્ચે રમતગમતને લઈને જે તણાવ રહેતો હોય છે, તેને આ પ્રકારના યુટ્યુબર્સ વધુ ભડકાવવાનું કામ કરી રહ્યા છે. અત્યારે સમગ્ર વિશ્વમાં આ વીડિયોની ટીકા થઈ રહી છે અને પાકિસ્તાની સત્તાવાળાઓ આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
