હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાનપુરમાં કુદરતનો પ્રચંડ કહેર: કાળમુખા વાવાઝોડા અને કરાએ મચાવી ભારે તબાહી, ઝાડ ઓટો પર ખાબકતા મહિલા સહિત બેના મોત
70 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનથી આખું શહેર અસ્તવ્યસ્ત: કાકદેવ પોલીસ સ્ટેશનમાં ટાવર ધરાશાયી, 20 થી વધુ વાહનો દટાયા અને ખેતીના પાકનો સોથ વળી ગયો

કાનપુર, તા.૪: ઉત્તર પ્રદેશના કાનપુરમાં શનિવારે સાંજે હવામાનના રૌદ્ર સ્વરૂપે ભારે વિનાશ વેર્યો છે. અચાનક આવેલા ભયાનક વાવાઝોડા, ગાજવીજ સાથેના વરસાદ અને મોટા કરા પડવાને કારણે સમગ્ર શહેરમાં હાહાકાર મચી ગયો છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે છથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પવનની ગતિ એટલી પ્રચંડ હતી કે શહેરના અનેક વિસ્તારોમાં વર્ષો જૂના ઘટાદાર વૃક્ષો પત્તાની માફક ઉખડી પડ્યા હતા.
સૌથી હૃદયદ્રાવક ઘટના કાકદેવ વિસ્તારમાં બની હતી, જ્યાં એક વિશાળ વૃક્ષ ચાલુ ઓટો-રિક્ષા પર ખાબક્યું હતું. આ અકસ્માતમાં ઓટોમાં સવાર જમુના દેવી નામની મહિલા અને ડ્રાઈવરનું કાટમાળ નીચે દબાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. આ સિવાય કલ્યાણપુર અને ગોવિંદ નગર વિસ્તારમાં પણ વૃક્ષો પડવાને કારણે અનેક લોકો ઘાયલ થયા છે અને અસંખ્ય વાહનો કચડાઈ ગયા છે. વાવાઝોડાને કારણે કાકદેવ પોલીસ સ્ટેશન પરિસરમાં એક ઉંચો ટાવર અને ઝાડ પડતા ત્યાં પાર્ક કરેલી પોલીસની ગાડીઓને પણ ભારે નુકસાન થયું છે.
શહેરના મુખ્ય માર્ગો જેવા કે નવાબગંજ, એસડી કોલેજ રોડ અને ફઝલગંજ ચાર રસ્તા પર વૃક્ષો ધરાશાયી થવાને કારણે ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. રહેણાંક વિસ્તારોમાં પણ સ્થિતિ ગંભીર છે; જુહી સફેદ કોલોનીમાં એક વિશાળ વડનું ઝાડ મકાન પર પડ્યું હતું, જ્યારે અનેક નવી કારો કાટમાળ નીચે દટાઈ ગઈ છે. લેબર કમિશનરની ઓફિસ પાસે વીજળીનો થાંભલો પડતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને લોકો અંધારપટમાં જીવવા મજબૂર બન્યા છે.
માત્ર શહેર જ નહીં, ગ્રામીણ વિસ્તારોમાં પણ કુદરતે કહેર વર્તાવ્યો છે. ઘાટમપુર તહસીલના ગામોમાં સતત ૨૦ મિનિટ સુધી કરા પડવાને કારણે ખેતરોમાં ઉભેલો ઘઉંનો પાક સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો છે. મહેનતનો પાક આંખ સામે બરબાદ થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. વહીવટીતંત્ર દ્વારા હાલ યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોને આગામી ત્રણ કલાક સુધી સાવચેત રહેવા તથા ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
