હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પિતૃસત્તાક માનસિકતા સમાજ માટે કેન્સર સમાન: ઘરેલુ હિંસા એ માત્ર વ્યક્તિગત ગુનો નહીં પણ બીમાર સામાજિક વ્યવસ્થાનું પ્રતિબિંબ હોવાની સુપ્રીમ કોર્ટની આકરી ટિપ્પણી
દેશમાં આર્થિક પ્રગતિ અને સાક્ષરતા વધવા છતાં મહિલાઓ સામેના ગુનાઓના આંકડા અત્યંત ચિંતાજનક, પત્નીને જીવતી સળગાવી દેનાર હેવાન પતિની આજીવન કેદની સજા યથાવત રાખતા સર્વોચ્ચ અદાલતે પિતૃસત્તાક વિચારધારા પર કર્યા આકરા પ્રહારો

નવી દિલ્હી:ભારત ભલે આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું હોય, પરંતુ મહિલાઓની સુરક્ષા અને સન્માનના મુદ્દે સામાજિક વાસ્તવિકતા આજે પણ દયનીય હોવાનો નિર્દેશ સર્વોચ્ચ અદાલતે કર્યો છે. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઘરેલુ હિંસા એ કોઈ છૂટીછવાઈ ઘટના કે અપવાદ નથી, પરંતુ તે આપણી "રોગગ્રસ્ત સામાજિક વ્યવસ્થા" ના લક્ષણો છે. જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ એન. કોટિશ્વર સિંહની ખંડપીઠે નોંધ્યું હતું કે દેશમાં મહિલાઓ સામે વધી રહેલા અત્યાચારોના આંકડા સમાજ માટે એક ભયાનક ચિત્ર રજૂ કરે છે, જે સાબિત કરે છે કે બંધારણીય સમાનતા હજુ પણ અનેક મહિલાઓ માટે માત્ર કાગળ પરનું વચન બનીને રહી ગઈ છે.
અદાલતે અવલોકન કર્યું કે ખાસ કરીને ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પિતૃસત્તાક માનસિકતા લોકોના રોજિંદા જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ છે, જે મહિલાઓના અસ્તિત્વ અને તેમની સ્વતંત્રતાને રૂંધી રહી છે. વર્ષ ૨૦૧૨માં પોતાની પત્નીને જીવતી સળગાવી દેનાર એક શખ્સની આજીવન કેદની સજાને બરકરાર રાખતા કોર્ટે ઉમેર્યું કે, બંધારણ દરેક નાગરિકને લિંગભેદ વગર જીવવાનો અને સમાનતાનો અધિકાર આપે છે, છતાં દાયકાઓ પછી પણ આ અધિકારોનો અમલ સામાન્ય મહિલાઓ સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યો છે. આ કેસમાં નીચલી અદાલતોએ મૃતકની મરણોત્તર જુબાની (ડાઈંગ ડેકલેરેશન) પર જે ભરોસો મૂક્યો હતો, તેને સર્વોચ્ચ અદાલતે પણ ઉચિત ઠેરવીને આરોપીની અપીલને ફગાવી દીધી હતી.
શિક્ષણ અને કાર્યબળમાં મહિલાઓની ભાગીદારી વધી હોવા છતાં, ઘરની ચાર દીવાલો વચ્ચે તેમની સુરક્ષા આજે પણ એક મોટો પ્રશ્ન છે. સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી સીધો સંકેત આપે છે કે માત્ર કાયદા બનાવવાથી પરિવર્તન નહીં આવે, પરંતુ સમાજની પિતૃસત્તાક વિચારધારાના મૂળિયાં ઉખેડવા અનિવાર્ય છે. ડેટા અને પ્રયોગમૂલક પુરાવાઓ મુજબ, આર્થિક સમૃદ્ધિ પણ લોકોની માનસિકતા બદલવામાં નિષ્ફળ રહી હોય તેવું જણાય છે. આ ચુકાદાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઘરેલુ હિંસા એ માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી, પરંતુ તે એક ઊંડી સામાજિક બીમારી છે જેના માટે સામુદાયિક જાગૃતિની અત્યંત જરૂર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
