<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની રહસ્યમય રીતે ગાયબ: શું ટ્રમ્પના સમર્થનથી હવે IRGC મુસ્લિમ રાષ્ટ્રની સત્તા હસ્તગત કરશે?

સત્તા સંભાળ્યાના એક મહિના પછી પણ મોજતબા જાહેરમાં દેખાયા નથી: અમેરિકાનો દાવો- હુમલામાં ચહેરો વિકૃત થયો અથવા મૃત્યુ પામ્યા, ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડના હાથમાં અસલી લગામ હોવાની ચર્ચા

તેહરાન, તા.૪: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભયાનક સંઘર્ષ અને યુદ્ધના માહોલ વચ્ચે ઈરાનના રાજકારણમાંથી અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈરાનના નવા સર્વોચ્ચ નેતા (Supreme Leader) મોજતબા ખામેની છેલ્લા ઘણા સમયથી રહસ્યમય રીતે ગુમ છે. ગત ૮ માર્ચે પિતા આયાતુલ્લા અલી ખામેની બાદ સત્તા સંભાળ્યા પછી તેઓ એક પણ વાર જાહેરમાં કે ટેલિવિઝન પર દેખાયા નથી. આ ગેરહાજરીને કારણે હવે એવી અટકળો તેજ થઈ છે કે શું ઈરાનની વાસ્તવિક શક્તિ હવે 'ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ' (IRGC) ના હાથમાં સરી પડી છે?
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ સચિવ માર્કો રુબિયોએ અનેકવાર દાવો કર્યો છે કે ઈરાન પર થયેલા હુમલામાં મોજતબા ખામેનીનું કદાચ મૃત્યુ થયું છે અથવા તેઓ ગંભીર રીતે ઘાયલ છે. અમેરિકી સંરક્ષણ સચિવ પીટ હેગસેથના જણાવ્યા અનુસાર, હુમલામાં મોજતબાનો ચહેરો વિકૃત થઈ ગયો હોઈ શકે છે, જેના કારણે તેઓ કેમેરા સામે આવતા ડરી રહ્યા છે. બીજી તરફ, ઈરાની પ્રશાસન મોજતબાના નામે માત્ર લેખિત સંદેશા અને AI-જનરેટેડ (કૃત્રિમ બુદ્ધિથી બનાવેલી) તસવીરો જાહેર કરીને સબ સલામત હોવાનો દાવો કરી રહ્યું છે.
૨૮ ફેબ્રુઆરીના રોજ થયેલા એક હુમલામાં મોજતબા ખામેનીને હાથ-પગમાં ઈજા થઈ હોવાના અહેવાલો ધ ગાર્ડિયન દ્વારા પણ આપવામાં આવ્યા છે. નવા વર્ષના અવસર 'નવરોઝ' કે ઈદની નમાઝ જેવા મહત્વના પ્રસંગોએ પણ મોજતબાની ગેરહાજરીએ ઈરાની પ્રજામાં પણ અનેક સવાલો ઉભા કર્યા છે. જ્યારે તેમના પિતા અલી ખામેની નિયમિતપણે ટીવી પર આવીને રાષ્ટ્રને સંબોધન કરતા હતા, ત્યારે મોજતબા માત્ર સરકારી એન્કરો દ્વારા જ પોતાના સંદેશા મોકલી રહ્યા છે, જે તેમની નબળી પકડ અથવા અસ્તિત્વ સામે શંકા પેદા કરે છે.
નિષ્ણાતોનું માનવું છે કે મોજતબાની આ 'ભૂગર્ભ' હાજરીનો સીધો ફાયદો IRGC ઉઠાવી રહ્યું છે. એવી પ્રબળ શક્યતા છે કે ડોનાલ્ડ ટ્રમ્પના આડકતરા સમર્થન કે દબાણ વચ્ચે IRGC હવે ઈરાનનંય નેતૃત્વ સંપૂર્ણપણે પોતાના હાથમાં લઈ લેશે. જો આમ થશે, તો ઈરાન એક થિયોક્રેટિક (ધાર્મિક) રાષ્ટ્રને બદલે લશ્કરી શાસન હેઠળ આવી શકે છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી ભલે મોજતબા સ્વસ્થ હોવાનો દાવો કરતા હોય, પણ જ્યાં સુધી તેઓ જાહેરમાં નહીં આવે ત્યાં સુધી આ રહસ્ય અકબંધ રહેશે.

(12:18 AM IST)