તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
'શીશમહેલ'માં ખેલાયો લોહિયાળ ખેલ? રાઘવ ચઢ્ઢાને 'મુર્ગો' બનાવી ઢોર માર માર્યાનો સનસનાટીભર્યો દાવો
આમ આદમી પાર્ટીના આંતરિક વિખવાદે ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ, રાજ્યસભામાં ડેપ્યુટી લીડરના પદેથી હકાલપટ્ટી બાદ પૂર્વ નેતા નવીન જયહિંદે રાઘવ ચઢ્ઢાની આંખમાં થયેલી ઈજા પાછળ મારપીટ જવાબદાર હોવાનો પર્દાફાશ કરતા રાજકારણમાં ગરમાવો

નવી દિલ્હી:આમ આદમી પાર્ટીના ‘પોસ્ટર બોય’ ગણાતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાના પદ છીનવાઈ જવાની ઘટનાએ હવે હિંસક વળાંક લીધો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. હરિયાણા ‘આપ’ના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ નવીન જયહિંદે સોશિયલ મીડિયા પર એક વિડિયો બોમ્બ ફોડીને ખળભળાટ મચાવી દીધો છે કે, તત્કાલીન મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ‘શીશમહેલ’માં રાઘવ ચઢ્ઢાને બંધક બનાવીને અત્યંત અપમાનજનક રીતે માર મારવામાં આવ્યો હતો. જયહિંદના દાવા મુજબ, આ જ મારપીટ દરમિયાન રાઘવ ચઢ્ઢાને આંખમાં ગંભીર ઈજા થઈ હતી, જેની સારવારના બહાને તેઓ લાંબો સમય ઈંગ્લેન્ડમાં રહ્યા હતા. આ ઘટસ્ફોટ બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે શું તાર્કિક દલીલો કરતા નેતાની બોલતી પાર્ટીની અંદર જ બંધ કરી દેવામાં આવી હતી?
બીજી તરફ, પાર્ટીએ સત્તાવાર રીતે રાઘવ ચઢ્ઢાની પાંખો કાપી નાખી છે અને તેમના સ્થાને અશોક મિત્તલને રાજ્યસભામાં ડેપ્યુટી લીડરની જવાબદારી સોંપી દીધી છે. માત્ર પદ જ નહીં, પરંતુ પાર્ટીએ સંસદ સચિવાલયને એવી પણ વિનંતી કરી છે કે રાઘવ ચઢ્ઢાને પક્ષના ક્વોટામાંથી બોલવા માટે સમય ફાળવવામાં ન આવે. આ આદેશને રાઘવ ચઢ્ઢાના અસ્તિત્વ પરના સીધા પ્રહાર તરીકે જોવામાં આવી રહ્યો છે. જયહિંદે આ મામલે રાઘવને પડકાર ફેંક્યો છે કે જો તેમનામાં હિંમત હોય તો તે દિવસે ‘શીશમહેલ’માં તેમની સાથે જે કાળી કરતૂત થઈ હતી તેનું સત્ય જનતા સામે લાવે, જેમ અન્ય એક મહિલા સાંસદે હિંમત બતાવીને પોતાની સાથે થયેલી ગેરવર્તણૂક જગજાહેર કરી હતી.
આ સમગ્ર વિવાદ વચ્ચે રાઘવ ચઢ્ઢાએ વિડિયો સંદેશ દ્વારા પોતાની મૌન વેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જનતાનો અવાજ ઉઠાવવા બદલ તેમની અવાજને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, પાર્ટીના સુત્રોનું કહેવું છે કે ચઢ્ઢા છેલ્લા કેટલાક સમયથી ભાજપ સામે આક્રમક વલણ અપનાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને પક્ષની રણનીતિથી વિમુખ ચાલી રહ્યા હતા. હાલમાં તો ‘મારપીટ’ અને ‘હકાલપટ્ટી’ના આ સમાચારોએ આમ આદમી પાર્ટીની શિસ્ત અને આંતરિક લોકશાહી સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે, જ્યારે વિપક્ષે આ મુદ્દે કેજરીવાલ પર માછલાં ધોવાનું શરૂ કરી દીધું છે.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
