તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
ઈરાન સામે જંગના મેદાને ઉતરેલા ટ્રમ્પ પોતાના જ ઘરમાં ઘેરાયા: વ્હાઈટ હાઉસમાં 'રિજીમ ચેન્જ'ની અટકળોથી ખળભળાટ
ઈરાનમાં સત્તા પરિવર્તનના સપના જોનારા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં મોટું ગાબડું પડતા રેટિંગ ૩૬%ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યું અને યુદ્ધના કારણે આસમાને પહોંચેલી મોંઘવારીને પગલે ઘરઆંગણે જ જનાક્રોશ ફાટી નીકળતા કેબિનેટમાં મોટા ફેરબદલના સંકેત

વોશિંગ્ટન:ઈરાન સાથેના પાંચ અઠવાડિયાના ભીષણ યુદ્ધની વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હવે ઘરઆંગણે જ મુશ્કેલીઓ વધી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. વિદેશી ધરતી પર 'રિજીમ ચેન્જ' કરવાના દાવા કરનારા ટ્રમ્પ અત્યારે પોતાની જ સત્તા બચાવવા માટે મથામણ કરી રહ્યા છે. તાજેતરના સર્વેક્ષણો મુજબ, યુદ્ધના કારણે અમેરિકામાં પેટ્રોલ-ડીઝલના ભાવ અને સામાન્ય મોંઘવારી બેકાબૂ બનતા ટ્રમ્પનું અપ્રુવલ રેટિંગ ઘટીને માત્ર 36% રહી ગયું છે. વ્હાઈટ હાઉસના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રમુખ ટ્રમ્પ પોતાની નિષ્ફળતાનો ટોપલો કેબિનેટના સાથીઓ પર ઢોળવાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે સત્તાના ગલિયારામાં ભારે ગભરાટ ફેલાયો છે.
અટોર્ની જનરલ પામ બોન્ડીની આકસ્મિક વિદાય બાદ હવે ટ્રમ્પની નજર નેશનલ ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર તુલસી ગબ્બાર્ડ અને કોમર્સ સેક્રેટરી હાવર્ડ લુટનિક પર હોવાનું મનાય છે. અહેવાલો મુજબ, ટ્રમ્પ ગબ્બાર્ડની ગુપ્તચર કામગીરીથી સંતુષ્ટ નથી અને યુદ્ધની રણનીતિમાં થયેલી ખામીઓ માટે તેમને જવાબદાર માની રહ્યા છે. અમેરિકાના 60% લોકો હવે આ યુદ્ધના વિરોધમાં છે અને તેમને ડર છે કે આ લડાઈ લાંબી ખેંચાશે તો દેશનું અર્થતંત્ર સંપૂર્ણપણે ખોરવાઈ જશે. ટ્રમ્પના પોતાના ગઢ ગણાતા વિસ્તારોમાં પણ હવે મોંઘવારીને લઈને બેચેની જોવા મળી રહી છે, જે આગામી સમયમાં ટ્રમ્પ માટે મોટી રાજકીય આફત બની શકે છે.
બીજી તરફ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ મીડિયા કવરેજથી અત્યંત લાલઘૂમ હોવાનું જાણવા મળ્યું છે. તેમનો આરોપ છે કે મીડિયા ઈરાન સાથેના સંઘર્ષને નકારાત્મક રીતે રજૂ કરીને જનતામાં ભ્રમ પેદા કરી રહ્યું છે. ટ્રમ્પે પોતાની કોમ્યુનિકેશન ટીમને કડક આદેશ આપ્યા છે કે સરકારની સકારાત્મક કામગીરી અને યુદ્ધના ફાયદાઓ જનતા સુધી પહોંચાડવામાં આવે. જોકે, આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે માત્ર પ્રધાનો બદલવાથી કે મીડિયા મેનેજમેન્ટ કરવાથી પ્રજાનો આક્રોશ શાંત નહીં થાય. જો ઈરાન સાથેનો આ સંઘર્ષ વહેલી તકે અટકશે નહીં, તો ટ્રમ્પ માટે વ્હાઈટ હાઉસમાં ટકી રહેવું મુશ્કેલ બની શકે છે.
(11:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
