<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

સોનામાં સુરખાબ: કિંમતો આસમાને પહોંચતા દાગીના પ્રેમીઓના ખિસ્સા ખાલી, ચાંદી પણ અઢી લાખને પાર

દેશમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ ૧.૫૦ લાખની સપાટી વટાવી જતા રોકાણકારોમાં ભારે ઉત્સાહ જ્યારે લગ્નસરાની મોસમમાં સામાન્ય જનતા માટે સોનું ખરીદવું બન્યું લોઢાના ચણા ચાવવા સમાન, જાણો અમદાવાદથી મુંબઈ સુધીના લેટેસ્ટ ભાવ અને શુદ્ધતા ઓળખવાની ટીપ્સ

નવી દિલ્હી:વૈશ્વિક બજારમાં ચાલી રહેલી હલચલ અને વધતી માંગના પગલે ભારતીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. આજે ૦૫ એપ્રિલના રોજ દેશમાં ૨૪ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૧,૫૦,૯૩૦ની ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે, જ્યારે ૨૨ કેરેટ સોનાનો ભાવ રૂ. ૧,૩૮,૩૫૦ પર ટ્રેડ થઈ રહ્યો છે. માત્ર સોનું જ નહીં, પરંતુ ચાંદીની ચમક પણ એટલી જ તેજ બની છે, જે પ્રતિ કિલોગ્રામ દીઠ રૂ. ૨,૪૯,૯૦૦ના ભાવે વેચાઈ રહી છે. આ આસમાને પહોંચેલા ભાવના કારણે બજારમાં ખરીદી માટે નીકળેલા ગ્રાહકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, જ્યારે સોનાને સુરક્ષિત રોકાણ માનતા લોકો માટે આ સમય સોના જેવો સાબિત થઈ રહ્યો છે.

ગુજરાતના મુખ્ય શહેરોની વાત કરીએ તો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આજે ૨૪ કેરેટ સોનાનો ભાવ રૂ. ૧,૫૦,૯૮૦ અને ૨૨ કેરેટનો ભાવ રૂ. ૧,૩૮,૪૦૦ નોંધાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં સોનું સૌથી મોંઘું એટલે કે ૨૪ કેરેટ માટે રૂ. ૧,૫૧,૦૮૦ના ભાવે સ્થિર થયું છે, જ્યારે દક્ષિણ ભારતના ચેન્નાઈમાં આ ભાવ રૂ. ૧,૫૨,૧૮૦ સુધી પહોંચી ગયો છે. નિષ્ણાતોના મતે સોનાની શુદ્ધતા બાબતે ગ્રાહકોએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. દાગીના બનાવવા માટે સામાન્ય રીતે ૨૨ કેરેટ સોનું વપરાય છે જેમાં ૯૧% શુદ્ધતા હોય છે, જ્યારે ૨૪ કેરેટ સોનું ૯૯.૯% શુદ્ધ હોવાથી તેમાંથી ઘરેણાં બનાવવા મુશ્કેલ હોય છે. શુદ્ધતાની ખાતરી માટે હંમેશા હોલમાર્કિંગ અને ISO ચિહ્નો જેવા કે '૯૯૯' કે '૯૨૦' ચકાસીને જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

હાલના સમયમાં સોનાના ભાવ જાણવા અત્યંત સરળ બન્યા છે; ગ્રાહકો માત્ર ૮૯૫૫૬૬૪૪૩૩ પર મિસ્ડ કોલ આપીને કે સત્તાવાર વેબસાઇટ્સ દ્વારા ઘરબેઠા ભાવની વિગતો મેળવી શકે છે. સોનાની વધતી કિંમતો પાછળ આર્થિક અનિશ્ચિતતા અને જ્વેલરીની વધતી માંગને મુખ્ય કારણ માનવામાં આવે છે. આગામી દિવસોમાં જો આ તેજી યથાવત રહેશે, તો મધ્યમ વર્ગના પરિવારો માટે સોનાની ખરીદી એક મોટું બજેટ માંગી લેશે તે નક્કી છે. અત્યારે તો સોની બજારમાં ભાવના ઉછાળાને લઈને સતત ચર્ચાઓ જામી છે.

(11:17 AM IST)