<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ચારધામમાં મોબાઈલ-રીલ્સ પર ‘બ્રેક’: બિન-સનાતનીઓના પ્રવેશ મુદ્દે BKTCની લાલઆંખ

૧૯ એપ્રિલથી શરૂ થતી યાત્રામાં મર્યાદા જાળવવા કડક નિયમો લાગુ, મંદિરની ૭૦ મીટરની ત્રિજ્યામાં ફોન લઈ જવા પર પ્રતિબંધ અને શ્રદ્ધા હશે તો જ અન્ય ધર્મીઓને પ્રવેશની છૂટ મળતા વિવાદ ગરમાયો

દેહરાદૂન:ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા આગામી ૧૯ એપ્રિલથી શરૂ થઈ રહી છે, ત્યારે બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) દ્વારા ભક્તોની સુવિધા અને મંદિરની ગરિમા જાળવવા માટે અત્યંત કડક નિર્ણયો લેવામાં આવ્યા છે. સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું છે કે આ વખતે યાત્રાધામોમાં મોબાઈલ ફોન અને કેમેરા દ્વારા ફોટા પાડવા કે વિડિયો રીલ્સ બનાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. શ્રદ્ધાળુઓ હવે મંદિર પરિસરની ૭૦ મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. આ નિર્ણય પાછળનો મુખ્ય હેતુ દર્શનની વ્યવસ્થાને વધુ સરળ બનાવવાનો અને સોશિયલ મીડિયાના યુગમાં ભક્તિના સ્થળોએ સર્જાતી અફરાતફરીને અટકાવવાનો છે.

આ વર્ષે યાત્રામાં બિન-સનાતનીઓના પ્રવેશનો મુદ્દો પણ જોરશોરથી ગાજી રહ્યો છે. બીકેટીસી પ્રમુખે જણાવ્યું હતું કે ચારધામમાં બિન-સનાતનીઓના પ્રવેશ પર કડક નજર રાખવામાં આવશે, જોકે તેમણે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ કરી હતી. બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનની મુલાકાતો સંદર્ભે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, જો કોઈ અન્ય ધર્મની વ્યક્તિ સનાતન ધર્મમાં અતૂટ શ્રદ્ધા ધરાવતી હોય, તો તેમને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. અત્યાર સુધીમાં ૧૧.૬૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી છે, જે દર્શાવે છે કે આ વર્ષે આસ્થાનો અભૂતપૂર્વ મહાસાગર ઉમટી પડશે. ભક્તો માટે હવે પૂજાનું ઓનલાઈન બુકિંગ અને રહેવાની અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ચારધામના દ્વાર ખુલવાની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. અક્ષય તૃતીયાના પવિત્ર પર્વે ૧૯ એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ખુલશે, જ્યારે ૨૨ એપ્રિલે કેદારનાથ અને ૨૩ એપ્રિલે બ્રહ્મ મુહૂર્તમાં બદ્રીનાથ ધામના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. શ્રી હેમકુંડ સાહિબના દ્વાર ખોલવાની તારીખ મે મહિનામાં અલગથી જાહેર કરવામાં આવશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને પહાડી વિસ્તારોમાં સુરક્ષા તેમજ સ્વાસ્થ્ય સેવાઓ પણ સઘન બનાવવામાં આવી છે. ભક્તોમાં આ વર્ષે નવા નિયમો અને ડિજિટલ પૂજા બુકિંગને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ સમિતિએ મર્યાદા અને ગરિમાને સર્વોપરી ગણાવી છે.

(11:40 AM IST)