તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
હિંદ મહાસાગરમાં ૯૦ કિમીની ઊંડાઈએ મોટો ભૂકંપ : સમુદ્રના પેટાળમાં ધરા ધ્રૂજતા ૨૦૦૪ની ભયાનક સુનામીની યાદો તાજી થઈ
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી દ્વારા રવિવારે સવારે ૪.૨ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો : ઊંડા કેન્દ્રબિંદુને કારણે જાનમાલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ તટીય વિસ્તારોમાં ફફડાટ

નવી દિલ્હી:રવિવારે વહેલી સવારે હિંદ મહાસાગરના પેટાળમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના જણાવ્યા અનુસાર, ૦૫ એપ્રિલ ૨૦૨૬ના રોજ સવારે ૦૫:૩૯:૨૮ કલાકે આ ધરતીકંપ નોંધાયો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૨ માપવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ સમુદ્રની સપાટીથી ૯૦ કિમીની ઊંડાઈએ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાએ ૨૦૦૪માં આ જ વિસ્તારમાં આવેલી વિનાશક સુનામીની યાદો તાજી કરી દીધી છે, જેમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા.
૯૦ કિમીની ઊંડાઈએ ‘ડીપ-ફોકસ’ ભૂકંપ:
વૈજ્ઞાનિક માહિતી મુજબ, પૃથ્વીની સપાટીથી ૭૦૦ કિલોમીટરની ઊંડાઈ સુધી ભૂકંપ આવી શકે છે. જે ભૂકંપ ૭૦ કિલોમીટરથી વધુ ઊંડાઈએ હોય તેને 'ડીપ-ફોકસ અર્થક્વેક' કહેવામાં આવે છે. રવિવારે આવેલો ભૂકંપ ૯૦ કિમીની ઊંડાઈએ હોવાથી તે ઇન્ટરમીડિયેટ શ્રેણીમાં આવે છે. સામાન્ય રીતે સમુદ્રના પેટાળમાં જ્યારે જમીન અચાનક હલે છે ત્યારે સુનામીનું જોખમ વધી જતું હોય છે, પરંતુ આ કિસ્સામાં તીવ્રતા મધ્યમ હોવાથી હાલ કોઈ સુનામીની ચેતવણી આપવામાં આવી નથી.
સુનામી કેવી રીતે સર્જાય છે?
જ્યારે સમુદ્રની સપાટી નીચે ભૂકંપ આવે છે, ત્યારે જમીનની હિલચાલને કારણે ઉપર રહેલું પાણી પણ ઝડપથી હલે છે. ખુલ્લા સમુદ્રમાં આ લહેરો નાની દેખાઈ શકે છે, પરંતુ જેમ જેમ તે કિનારા પાસે પહોંચે છે, તેમ તેમ તેની ઊંચાઈ અને શક્તિમાં અનેકગણો વધારો થાય છે. આ ઊંચી લહેરો સુનામીનું રૂપ ધારણ કરી તટીય વિસ્તારોમાં ભારે તબાહી મચાવવાની ક્ષમતા ધરાવે છે.
૨૦૦૪ની કાળઝાળ સુનામીનો ઈતિહાસ:
આ જ વિસ્તારમાં ૨૬ ડિસેમ્બર ૨૦૦૪ના રોજ ઇન્ડોનેશિયાના સુમાત્રા પાસે ૯.૨ થી ૯.૩ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો. બર્મા પ્લેટ અને ઇન્ડિયન પ્લેટ વચ્ચેના ઘર્ષણને કારણે ૩૦ મીટર ઊંચી સુનામીની લહેરો ઉઠી હતી. આ કુદરતી આપત્તિમાં ભારત, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને થાઈલેન્ડ સહિત ૧૪ દેશોમાં આશરે ૨,૨૭,૮૯૮ લોકોના મોત થયા હતા. તેને ઇતિહાસની સૌથી ખતરનાક સુનામી માનવામાં આવે છે. રવિવારના આંચકા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
