તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
બિહારમાં નીતિશ યુગનો અંત?: નીતિશ કુમાર હવે દિલ્હીના રાજકારણમાં સક્રિય: નીતિશ કુમાર 10 એપ્રિલે લેશે રાજ્યસભાના શપથ
મુખ્યમંત્રી નીતિશ કુમાર 10 એપ્રિલે લેશે રાજ્યસભાના શપથ, પટણામાં નવા મુખ્યમંત્રીના નામ અને સત્તાના સમીકરણો અંગે ભારે સસ્પેન્સ વચ્ચે રાજકીય ગરમાવો વધ્યો

પટણા : બિહારના રાજકારણમાં દાયકાઓ સુધી સત્તાના કેન્દ્રસ્થાને રહેલા નીતિશ કુમાર હવે દિલ્હીના રાજકારણમાં સક્રિય થવા જઈ રહ્યા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સંજય સરાવગીએ પુષ્ટિ કરી છે કે નીતિશ કુમાર આગામી 10 એપ્રિલે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લેશે. વર્ષ 2005થી બિહારની કમાન સંભાળનારા નીતિશ કુમારના આ નિર્ણયથી રાજ્યના રાજકીય માળખામાં ધરખમ ફેરફાર આવવાના સંકેતો મળી રહ્યા છે. શપથ ગ્રહણ બાદ NDAનું કેન્દ્રીય નેતૃત્વ અને નીતિશ કુમાર સંયુક્ત રીતે ભવિષ્યની રણનીતિ સ્પષ્ટ કરશે, જેના કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યને નવો મુખ્યમંત્રી મળી શકે છે.
નીતિશ કુમારની વિદાય સાથે જ બિહારમાં નવા મુખ્યમંત્રીના ચહેરાને લઈને અટકળોનું બજાર ગરમ થયું છે. લાંબા સમય સુધી સત્તામાં રહ્યા બાદ હવે જેડીયુ અને ભાજપ વચ્ચે નેતૃત્વ મુદ્દે ખેંચતાણ શરૂ થઈ હોય તેવું જણાય છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અન્ય કેન્દ્રીય મંત્રીઓ પણ રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા હોવાથી ભાજપ હવે મુખ્યમંત્રી પદ પર પોતાનો દાવો મજબૂત કરી રહ્યું છે. જોકે, જેડીયુના કાર્યકરોમાં અલગ જ સૂર જોવા મળી રહ્યો છે. પટણાની ગલીઓમાં નીતિશ કુમારના પુત્ર નિશાંતને રાજ્યની કમાન સોંપવાની માંગ સાથેના પોસ્ટરો લાગતા રાજકીય ગણિત વધુ જટિલ બન્યું છે.
રાજકીય પંડિતો માની રહ્યા છે કે આગામી થોડા દિવસો બિહારના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. વહીવટી તંત્રમાં સ્પષ્ટતા લાવવા અને શાસનને ગતિ આપવા માટે NDA નેતૃત્વ વહેલી તકે નવા નામની જાહેરાત કરે તેવી શક્યતા છે. જ્યારે એક તરફ નીતિશ કુમારને દિલ્હી જતા રોકવા માટે વિનંતીઓ કરવામાં આવી રહી હતી, ત્યારે બીજી તરફ રાજ્યસભાની ચૂંટણી જીતીને તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ હવે રાષ્ટ્રીય સ્તરે મોટી ભૂમિકા ભજવવા તૈયાર છે. હવે જોવાનું એ રહેશે કે નીતિશ કુમારના વારસદાર તરીકે કોઈ અનુભવી નેતા આવશે કે પછી પરિવારવાદના પોસ્ટર વોર વચ્ચે કોઈ નવો ચહેરો બિહારની ગાદી પર બેસશે.
(1:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
