<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ઈરાનની સરહદ ઉપર અમેરિકાએ સૌથી ઘાતક 'જાસમ-ઈઆર' મિસાઈલોનો જંગી ખડકલો કર્યો

પેસિફિક અને બ્રિટનના એરબેઝ પરથી ૧૦૦૦થી વધુ સિક્રેટ અને લાંબી રેન્જની મિસાઈલો ઈરાન તરફ તાકવામાં આવી

વોશિંગ્ટન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે સીધી અને આક્રમક ચેતવણી ઉચ્ચારવા સાથે બ્લૂમબર્ગના એક અહેવાલ અનુસાર, એક અતી વિકરાળ ઓપરેશન માટે અમેરિકાએ પોતાની અત્યંત આધુનિક, ગુપ્ત અને ઘાતક એવી 'જાસમ-ઈઆર' ક્રૂઝ મિસાઈલોનો મોટો જથ્થો દુનિયાભરમાંથી મિડલ ઈસ્ટ અને બ્રિટનના એરબેઝ પર તહેનાત કરી દીધો છે. આ મિસાઈલો ૯૬૫ કિલોમીટર દૂરથી પણ દુશ્મનના રડારને થાપ આપીને સચોટ હુમલો કરવા માટે સક્ષમ છે.

 

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે અત્યંત ભયાનક વળાંક લીધો છે. અમેરિકાએ ઈરાનને પથ્થર યુગમાં ધકેલી દેવાની આપેલી ધમકીને સાચી પાડી બતાવવા પોતાના શસ્ત્રાગારમાંથી સૌથી ખતરનાક ગણાતી 'જાસમ-ઈઆર' મિસાઈલો કાઢીને ઈરાન તરફ વાળી દીધી છે.

 

બ્લૂમબર્ગના એક વિસ્તૃત રિપોર્ટ મુજબ, અમેરિકન સેના હવે ઈરાન વિરુદ્ધના પોતાના આગામી મિલિટરી કેમ્પેઈનમાં અત્યંત ગુપ્ત અને સ્ટીલ્થ ટેકનોલોજી ધરાવતી 'જોઈન્ટ એર-ટુ-સરફેસ સ્ટેન્ડઓફ મિસાઈલ - એક્સટેન્ડેડ રેન્જ' નો ઉપયોગ કરશે. આ મિસાઈલ ૬૦૦ માઈલ એટલે કે લગભગ ૯૬૫ કિલોમીટર દૂરથી ઓપરેટ થઈ શકે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તે દુશ્મન દેશના એર ડિફેન્સ અને રડાર સિસ્ટમને આસાનીથી થાપ આપીને ટાર્ગેટને નેસ્તનાબૂદ કરી શકે છે.

 

દુનિયાભરના બેઝ પરથી મિસાઈલો મંગાવાઈ*

 

અમેરિકાએ માત્ર પોતાના દેશમાં જ નહીં, પરંતુ પેસિફિક ક્ષેત્રમાં રાખેલા પોતાના હાઈ-ટેક મિસાઈલોના સ્ટોકને પણ મિડલ ઈસ્ટમાં સ્થિત યુએસ સેન્ટ્રલ કમાન્ડના બેઝ પર અને બ્રિટનના ફેરફોર્ડ એરબેઝ પર શિફ્ટ કરવાનો આદેશ આપી દીધો છે. એક અંદાજ મુજબ, આ મિસાઈલની કિંમત અંદાજે ૧૫ લાખ ડોલર જેટલી થાય છે. યુદ્ધના પહેલા જ ચાર અઠવાડિયામાં અમેરિકાએ ૧૦૦૦ થી વધુ લાંબી અને ટૂંકી રેન્જની જાસમ મિસાઈલોનો ઉપયોગ ઈરાન સામે કરી લીધો હોવાનું મનાય છે.

 

**ચીન સામે વાપરવાના હથિયારો ઈરાન સામે કાઢવા પડ્યા**

 

ડિજિટલ મીડિયા અને સંરક્ષણ નિષ્ણાતોના મતે, અમેરિકા પોતાના સૈનિકોનો જીવ જોખમમાં મૂકવા માંગતું નથી, તેથી જ લાંબી રેન્જની ક્રૂઝ મિસાઈલોનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. જોકે, આનાથી અમેરિકાના મિસાઈલ ભંડાર પર મોટી અસર પડી રહી છે. જે હથિયારો ભવિષ્યમાં ચીન જેવા શક્તિશાળી દેશો સામે લડવા માટે રિઝર્વ રાખવામાં આવ્યા હતા, તેનો અત્યારે ઈરાન સામે મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. અગાઉ દક્ષિણ કોરિયામાં તહેનાત 'થાડ' મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના ભાગો પણ હવે મિડલ ઈસ્ટમાં ખસેડવામાં આવ્યા હોવાના અહેવાલો હતા.

 

ટ્રમ્પના આકરા વલણને જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અમેરિકા હવે આર-પારની લડાઈના મૂડમાં છે અને ઈરાનને ભારે આર્થિક તથા લશ્કરી નુકસાન પહોંચાડવા માટે કોઈ કસર બાકી રાખવા માંગતું નથી.

(2:02 PM IST)