તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની મોટી રાજદ્વારી ચાલ: "જૂના દુશ્મન" ઈરાકને આપી ખાસ મુક્તિ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 48 કલાકના અલ્ટીમેટમ અને વિનાશની ધમકી વચ્ચે તેહરાનનો વ્યૂહાત્મક નિર્ણય, દુશ્મન દેશો સિવાયના તમામ જહાજો માટે ઈરાની જળસીમાના દ્વાર ખોલવા તૈયારી

તેહરાન : પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ઈરાને એક અત્યંત ચોંકાવનારી અને રાજદ્વારી રમત રમી છે. ઈરાની સૈન્ય કમાન્ડ 'ખાતમ અલ-અંબિયા'એ જાહેરાત કરી છે કે વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા પર લદાયેલા પ્રતિબંધોમાંથી ઈરાકને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે. આ નિર્ણય એટલા માટે આશ્ચર્યજનક છે કારણ કે ઈરાન અને ઈરાક વચ્ચે 1980ના દાયકામાં આઠ વર્ષ સુધી ભયાનક યુદ્ધ ખેલાયું હતું અને બંને દેશો લાંબા સમયથી એકબીજાના કટ્ટર હરીફ રહ્યા છે. ઈરાની વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ પ્રોટોકોલ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે માત્ર 'દુશ્મન દેશો'ના જહાજો સિવાયના તમામ વેપારી જહાજો ઈરાનની મંજૂરી મેળવીને આ દરિયાઈ કોરિડોરનો ઉપયોગ કરી શકશે.
ઈરાનનો આ ખુલાસો એવા સમયે આવ્યો છે જ્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેહરાનને ઘૂંટણિયે લાવવા માટે આકરું અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર સ્પષ્ટ ચેતવણી આપી છે કે ઈરાન પાસે કાં તો સોદો કરવા અથવા હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટે માત્ર 48 કલાકનો સમય બચ્યો છે, અન્યથા તેના પર મોટી 'આપત્તિ' તૂટી પડશે. ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે સમય પૂરો થઈ રહ્યો છે અને જો તેહરાન સહયોગ નહીં કરે તો તેના ઉર્જા માળખા અને પાવર પ્લાન્ટ્સને નેસ્તનાબૂદ કરી દેવામાં આવશે. અગાઉ 26 માર્ચે ટ્રમ્પે વાટાઘાટો માટે 10 દિવસની રાહત આપી હતી, જેની સમયમર્યાદા હવે 6 એપ્રિલ, 2026 ના રોજ પૂર્ણ થઈ રહી છે.
તેહરાન દ્વારા ઈરાક પ્રત્યે દાખવવામાં આવેલી આ નરમાશ પાછળ અમેરિકાના દબાણ સામે પ્રાદેશિક સમર્થન મેળવવાની વ્યૂહરચના હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. ટ્રમ્પના દાવા મુજબ ઈરાન સરકાર પોતે જ વાટાઘાટો માટે વિનંતી કરી રહી છે અને પાવર પ્લાન્ટ્સ પરના હુમલા ટાળવા માટે કરગરી રહી છે, જ્યારે બીજી તરફ ઈરાન તેના પડોશી દેશો સાથેના સંબંધો સુધારીને અમેરિકાની ઘેરાબંધી તોડવા મથામણ કરી રહ્યું છે. 48 કલાકના આ કાઉન્ટડાઉન બાદ વિશ્વભરની નજર હોર્મુઝ સ્ટ્રેટ પર છે, કારણ કે જો આ કોરિડોર સંપૂર્ણપણે નહીં ખુલે તો વૈશ્વિક તેલ બજારમાં હાહાકાર મચી જશે. ટ્રમ્પની ચેતવણી અને ઈરાનની આ 'માસ્ટરસ્ટ્રોક' જેવી ચાલ વચ્ચે હવે પશ્ચિમ એશિયામાં શાંતિ જળવાશે કે વિનાશક યુદ્ધ ફાટી નીકળશે, તે આગામી બે દિવસમાં સ્પષ્ટ થઈ જશે.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
