<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

સાવધાન! પાન કાર્ડ ઈન-ઓપરેટિવ હશે તો અટકી જશે તમારું આઈટી રિફંડ: કરોડો કરદાતાઓ મુશ્કેલીમાં

પાન અને આધાર લિંક નહીં હોવાને કારણે દેશમાં 9.25 કરોડ પાન કાર્ડ નિષ્ક્રિય થયા, ઇનકમ ટેક્સ વિભાગે કરોડો રૂપિયાનું રિફંડ રોક્યું અને લેટ ફી પેટે 2338 કરોડથી વધુની વસૂલાત કરી

રાજકોટ : ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કર્યા બાદ રિફંડની કાગડોળે રાહ જોતા લાખો કરદાતાઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જો તમારું પાન કાર્ડ (PAN) આધાર કાર્ડ સાથે લિંક નથી અથવા ઈન-ઓપરેટિવ (નિષ્ક્રિય) થઈ ગયું છે, તો સરકાર તમારું રિફંડ રોકી શકે છે. આવકવેરા ધારાની કલમ 139AA મુજબ, પાન કાર્ડ સક્રિય ન હોવાને કારણે ટેક્સ ક્રેડિટ મેળવવામાં અને રિફંડની પ્રક્રિયા પૂર્ણ કરવામાં ટેકનિકલ અવરોધો ઉભા થાય છે. નાણા મંત્રાલયના આંકડા મુજબ, અત્યાર સુધીમાં અંદાજે 1.30 લાખથી વધુ કેસોમાં પાન કાર્ડની ખામીને કારણે 340.30 કરોડ રૂપિયાનું રિફંડ અટવાયું છે, જેનાથી સામાન્ય કરદાતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સરકારી અહેવાલ મુજબ દેશમાં હાલમાં અંદાજે 9.25 કરોડ પાન કાર્ડ ઈન-ઓપરેટિવ અવસ્થામાં છે. આ કાર્ડ્સને ફરીથી એક્ટિવ કરવા માટે કરદાતાઓ પાસેથી અત્યાર સુધીમાં 2338 કરોડ રૂપિયાથી વધુની લેટ ફી વસૂલવામાં આવી છે. વર્ષ 2025-26 દરમિયાન રિફંડ અટકવા અંગેની ફરિયાદોમાં પણ સતત વધારો નોંધાયો છે, જેમાં અત્યાર સુધીમાં 1156 જેટલી સત્તાવાર ફરિયાદો આઈટી વિભાગને મળી છે. પાન કાર્ડ એક્ટિવ ન હોવાને કારણે માત્ર રિફંડ જ નહીં, પરંતુ બેંકિંગ વ્યવહારો અને મોટા નાણાકીય ટ્રાન્ઝેક્શનમાં પણ કરદાતાઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે ટીડીએસ (TDS) પણ વધુ કપાવાની શક્યતા રહેલી છે.

જો તમે પણ આ પ્રકારની સમસ્યાથી બચવા માંગતા હોવ તો તાત્કાલિક ઇનકમ ટેક્સની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારા પાન કાર્ડનું સ્ટેટસ ચેક કરવું અનિવાર્ય છે. જો પાન કાર્ડ નિષ્ક્રિય બતાવે તો નિયત લેટ ફી ભરીને તેને આધાર સાથે લિંક કરવાથી જ તમારું રિફંડ ખાતામાં જમા થશે. નિષ્ણાતોના મતે, જ્યાં સુધી પાન કાર્ડ એક્ટિવ ન થાય ત્યાં સુધી ગમે તેટલી વાર આઈટીઆર ફાઈલ કરવા છતાં રિફંડની રકમ મેળવવી અશક્ય છે. આર્થિક લેવડદેવડમાં પારદર્શિતા લાવવા માટે સરકાર પાન-આધાર લિંકિંગ પર ભાર મૂકી રહી છે, ત્યારે કરદાતાઓએ પોતાની વિગતો અપડેટ રાખવી એ જ રિફંડ મેળવવાનો એકમાત્ર રસ્તો છે.

(2:45 PM IST)