તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
બંગાળના રણમેદાનમાં કોંગ્રેસનો મોટો દાવ: મુસ્લિમ ઉમેદવારોની સંખ્યામાં મમતા બેનર્જીને પણ પાછળ છોડ્યા
2026ની વિધાનસભા ચૂંટણીમાં 'એકલા ચલો'ની રણનીતિ સાથે મેદાને ઉતરેલી કોંગ્રેસે 70 મુસ્લિમ ચહેરાઓ પર લગાવ્યો દાવ, 30 ટકા લઘુમતી મતો અંકે કરવા તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી ગઠબંધનના ગઢમાં ગાબડું પાડવા અધીર રંજન ચૌધરીએ ઘડી ખાસ વ્યૂહરચના

કોલકાતા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 માં સત્તાના સમીકરણો બદલવા માટે કોંગ્રેસે અત્યંત આક્રમક અને ચોંકાવનારો દાવ ખેલ્યો છે. છેલ્લા બે દાયકામાં પ્રથમ વખત એકલા હાથે ચૂંટણી લડી રહેલી કોંગ્રેસે રાજ્યની 294 બેઠકોમાંથી રેકોર્ડબ્રેક 70 મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આ સંખ્યા રાજ્યના મુખ્ય શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના 47 અને ડાબેરી-ISF ગઠબંધનના 60 ઉમેદવારો કરતાં પણ વધુ છે. 2021ની ચૂંટણીમાં શૂન્ય બેઠકો પર ફેંકાઈ ગયેલી કોંગ્રેસ આ વખતે લઘુમતી મતોના જોરે બંગાળમાં ફરી બેઠી થવા મથામણ કરી રહી છે. વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરી પોતે આ આખા મિશનનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય મમતા બેનર્જીની પરંપરાગત વોટ બેંકમાં ગાબડું પાડવાનો છે.
બંગાળમાં અંદાજે 30 ટકા મુસ્લિમ વસ્તી છે અને 100 થી વધુ બેઠકો પર આ મતદારો હાર-જીતનું ભવિષ્ય નક્કી કરે છે. ખાસ કરીને મુર્શિદાબાદ, માલદા અને ઉત્તર દિનાજપુર જેવા જિલ્લાઓમાં, જ્યાં લઘુમતી વસ્તીનું પ્રમાણ 50 ટકાથી વધુ છે, ત્યાં કોંગ્રેસે સૌથી વધુ તાકાત લગાવી છે. કોંગ્રેસના સાંસદ તારિક અનવરના મતે, વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ આપવાની નીતિ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે, રાજકીય વિશ્લેષકો માને છે કે કોંગ્રેસનો આ 'માસ્ટરસ્ટ્રોક' મમતા બેનર્જી માટે ચિંતાનો વિષય બની શકે છે, કારણ કે અત્યાર સુધી મુસ્લિમ મતો એકતરફી રીતે TMC ને મળતા રહ્યા છે. હવે જ્યારે કોંગ્રેસે આટલી મોટી સંખ્યામાં મુસ્લિમ ચહેરાઓ ઉતાર્યા છે, ત્યારે મતોનું વિભાજન સીધો ફાયદો ભાજપને કરાવી શકે છે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
બીજી તરફ, ઓવૈસીની AIMIM અને હુમાયુ કબીરના ગઠબંધને પણ 182 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરીને લડાઈને વધુ જટિલ બનાવી દીધી છે. ભાજપે આ વખતે પણ કોઈ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી નથી, જેનાથી બંગાળમાં મુસ્લિમ મતો મેળવવા માટે TMC, કોંગ્રેસ અને ડાબેરીઓ વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. કોંગ્રેસ માટે આ અસ્તિત્વની લડાઈ છે, કારણ કે 2021 માં તેમને માત્ર 2.9 ટકા મત મળ્યા હતા. 'એકલા ચલો' ના નારા સાથે કોંગ્રેસે જે રીતે મુસ્લિમ કાર્ડ ખેલ્યું છે, તે જોતા એ પ્રશ્ન ઉભો થાય છે કે શું આ રણનીતિ કોંગ્રેસનું ખાતું ખોલાવશે કે પછી વિપક્ષી મતોના વિભાજનથી ભાજપ માટે બંગાળના દ્વાર ખોલી નાખશે? 2026 નું આ ચૂંટણી પરિણામ બંગાળના રાજકારણની નવી દિશા નક્કી કરશે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
