<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

ન્યૂયોર્કનો કન્ટેન્ટ ક્રિએટર ૧૫ કલાકની લાંબી મુસાફરી કરી માત્ર ૨૪ કલાક માટે ભારત આવ્યો : તાજમહેલ જોવા માટેનો અનોખો ક્રેઝ : જુઓ વિડીયો

અમેરિકન યુવાન કેવિન ડ્રોનિયાકે ન્યૂયોર્કથી દિલ્હી ઉતરાણ કર્યા બાદ એક જ દિવસમાં આગ્રાનો પ્રવાસ ખેડ્યો : ટ્રેન રદ થવા છતાં ગણતરીના કલાકોમાં પરત ફરી વિદેશી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવ્યો

નવી દિલ્હી:સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય મુસાફરી કરે ત્યારે લાંબા વેકેશનનું આયોજન કરતી હોય છે, પરંતુ અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા એક કન્ટેન્ટ ક્રિએટરે આ વિચારધારાને બદલી નાખી છે. કેવિન ડ્રોનિયાક નામના આ યુવાને માત્ર ૨૪ કલાકના ભારત પ્રવાસ માટે ન્યૂયોર્કથી ૧૫ કલાકની લાંબી ફ્લાઇટમાં મુસાફરી કરી તાજમહેલની મુલાકાત લઈને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. સોશિયલ મીડિયા પર આ પ્રવાસનો વિડિયો વાયરલ થતા લોકો તેને ‘થોડો પાગલ પણ બહાદુર’ ગણાવી રહ્યા છે.

સમય સામે જંગ - ૨૪ કલાકમાં તાજમહેલ અને બેબી તાજની મુલાકાત:
કેવિન ડ્રોનિયાક ૨૧ માર્ચના રોજ રાત્રે ૯.૩૦ કલાકે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યો હતો. ત્યાંથી તે સીધો જ આગ્રા જવા રવાના થયો અને થોડો સમય આરામ કર્યા બાદ વહેલી સવારે તાજમહેલ પહોંચી ગયો હતો. વિશ્વની સાત અજાયબીમાં સ્થાન પામેલા તાજમહેલને તેણે ‘પ્રેમનું વિશાળ પ્રતીક’ ગણાવ્યું હતું. તાજમહેલ નિહાળ્યા બાદ તેણે ઈ-રિક્ષામાં બેસીને ઉત્તર ભારતીય વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. સમયની મર્યાદા હોવા છતાં તેણે ઇતિમાદ-ઉદ-દૌલાના મકબરાની પણ મુલાકાત લીધી હતી, જેને ‘બેબી તાજ’ તરીકે ઓળખવામાં આવે છે.

ટ્રેન રદ થતા સર્જાયેલી મુશ્કેલી અને એરપોર્ટ દોટ:
કેવિનનો પ્રવાસ ત્યારે રોમાંચક વળાંક પર આવ્યો જ્યારે તે આગ્રા રેલવે સ્ટેશન પહોંચ્યો અને ખબર પડી કે દિલ્હી પરત ફરવાની તેની ટ્રેન રદ થઈ ગઈ છે. પોતાની રિટર્ન ફ્લાઇટ ચૂકી જવાનો ડર હોવા છતાં તેણે હિંમત હારી નહીં અને તાત્કાલિક કેબ બુક કરાવીને દિલ્હી એરપોર્ટ પહોંચ્યો હતો. તેણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે, “ભારતે મને અહીં રોકવાનો પ્રયત્ન કર્યો પણ હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે.”

સોશિયલ મીડિયા પર સાત લાખથી વધુ વ્યુઝ:
આ સાહસિક પ્રવાસનો વિડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાયરલ થયો છે, જેને માત્ર એક જ દિવસમાં સાત લાખથી વધુ લોકોએ નિહાળ્યો છે. સેલિબ્રિટી શેફ વિકાસ ખન્નાએ પણ આશ્ચર્ય સાથે આ વિડિયો પર પ્રતિક્રિયા આપી છે. ઘણા લોકોએ તેના જુસ્સાના વખાણ કર્યા છે, તો વળી કેટલાક લોકોએ કહ્યું છે કે જેટલેગ અને થાકને કારણે તેઓ આવું સાહસ ક્યારેય ન કરી શકે. કેવિને તેના ફોલોઅર્સને સવાલ પણ પૂછ્યો હતો કે, “શું તમે આવો વન-ડે ટ્રીપ કરશો કે તમે માનસિક રીતે સ્થિર છો?” આ સવાલ અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

(3:08 PM IST)