તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
૧૯ એપ્રિલથી શ્રદ્ધાનો મહાકુંભ 'ચારધામ યાત્રા' શરૂ: બિન-સનાતનીઓ અને કેમેરાના પ્રવેશ પર મુકાયો કડક પ્રતિબંધ
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ ૨૦૨૬ની યાત્રા માટે જાહેર કર્યા નવા નિયમો, મંદિર પરિસરની ૭૦ મીટરની ત્રિજ્યામાં મોબાઈલ અને ફોટોગ્રાફી પર મનાઈ સાથે અત્યાર સુધીમાં ૧૧ લાખથી વધુ ભક્તોનું નોંધણી કાર્ય પૂર્ણ

દેહરાદૂન : હિન્દુ ધર્મના સર્વોચ્ચ શ્રદ્ધા કેન્દ્ર સમાન ચારધામ યાત્રાનો ૧૯ એપ્રિલથી વિધિવત પ્રારંભ થવા જઈ રહ્યો છે, પરંતુ આ વર્ષે યાત્રાના નિયમોમાં ધરખમ ફેરફારો કરવામાં આવ્યા છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ હેમંત દ્વિવેદીએ સ્પષ્ટ કર્યું છે કે યાત્રા દરમિયાન પવિત્રતા જાળવવા માટે બિન-સનાતનીઓના પ્રવેશ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ માત્ર સનાતન ધર્મમાં આસ્થા ધરાવતા શ્રદ્ધાાળુઓને જ ગર્ભગૃહ અને મંદિર પરિસરમાં પ્રવેશ મળશે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફેમસ સેલિબ્રિટીઝ અને રીલ બનાવનારાઓ પર અંકુશ લાવવા માટે મંદિર પરિસરની ૭૦ મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન અને કેમેરાના ઉપયોગ પર સંપૂર્ણ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
આગામી ૧૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે યમુનોત્રી અને ગંગોત્રી ધામના દ્વાર ખુલવાની સાથે જ યાત્રાનો પ્રારંભ થશે. નિર્ધારિત સમય મુજબ ગંગોત્રીના દ્વાર રાત્રે ૧૨:૧૯ કલાકે અને યમુનોત્રીના દ્વાર બપોરે ૧૨:૩૫ કલાકે ભક્તો માટે ખોલવામાં આવશે. ત્યારબાદ ૨૨ એપ્રિલે સવારે ૮ વાગ્યે બાબા કેદારનાથ અને ૨૩ એપ્રિલે સવારે ૬:૧૫ વાગ્યે ભગવાન બદ્રીનાથના કપાટ ખુલશે. અત્યાર સુધીમાં ૧.૧ મિલિયન એટલે કે ૧૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લીધું છે, જે ગત વર્ષોની સરખામણીએ એક રેકોર્ડબ્રેક આંકડો માનવામાં આવે છે. વહીવટીતંત્રે ભીડને નિયંત્રિત કરવા અને સુગમ દર્શન સુનિશ્ચિત કરવા માટે તમામ તૈયારીઓ આખરી ઓપ આપી દીધો છે.
યાત્રાના નવા નિયમોને લઈને બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન જેવા બિન-સનાતની કલાકારોના પ્રવેશ અંગે પણ ચર્ચાઓ તેજ બની છે, જેના જવાબમાં સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક પરંપરાઓનું પાલન કરવું દરેક માટે અનિવાર્ય રહેશે. ભક્તોની સુરક્ષા અને સુવિધા માટે લેવાયેલા આ કડક નિર્ણયોનો હેતુ મંદિરની ગરિમા જાળવી રાખવાનો છે. યાત્રા માર્ગ પર પીવાનું પાણી, આરોગ્ય સુવિધા અને રહેવાની વ્યવસ્થા માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. ૧૯ એપ્રિલથી શરૂ થનારી આ યાત્રામાં દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતાને જોતા હવામાન વિભાગની આગાહી પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
