તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
અમેરિકી સેનાનું સાહસિક ઓપરેશન: ઈરાનમાં મોતના જડબામાંથી જીવતો પાછો આવ્યો અમેરિકન પાયલોટ
ટ્રમ્પે આ રેસ્ક્યૂને ગણાવ્યું ઈતિહાસનું સૌથી મોટું સર્ચ ઓપરેશન; ઘેરાયેલા વરિષ્ઠ કર્નલને ઉગારવા આધુનિક ફાઈટર જેટ્સની મદદ લેવાઈ

વોશિંગ્ટન: અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે એક અત્યંત રોમાંચક અને સાહસિક બચાવ કામગીરીના સમાચાર સામે આવ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે, ઈરાનના દુશ્મન પ્રદેશમાં ફસાયેલા અમેરિકી વાયુસેનાના એક વરિષ્ઠ કર્નલ (પાયલોટ)ને સેનાએ સુરક્ષિત રીતે બચાવી લીધા છે. ટ્રમ્પે આ સફળતાને અમેરિકાના ઈતિહાસનું સૌથી હિંમતવાન 'સર્ચ એન્ડ રેસ્ક્યૂ' ઓપરેશન ગણાવ્યું છે.
દુશ્મનોથી ઘેરાયેલા પાયલોટનું દિલધડક રેસ્ક્યૂ
મળતી વિગતો મુજબ, અમેરિકન પાયલોટ ઈરાનના અત્યંત દુર્ગમ અને પહાડી વિસ્તારમાં દુશ્મન સૈનિકોથી ઘેરાઈ ગયા હતા. ઈરાની સૈનિકો દર કલાકે તેમની નજીક પહોંચી રહ્યા હતા, પરંતુ અમેરિકી સૈન્યના વરિષ્ઠ અધિકારીઓ ડ્રોન અને અન્ય ટેકનોલોજી દ્વારા પાયલોટના લોકેશન પર ૨૪ કલાક નજર રાખી રહ્યા હતા. રાષ્ટ્રપતિના આદેશ બાદ, સેનાએ અત્યાધુનિક અને ઘાતક શસ્ત્રોથી સજ્જ ફાઈટર જેટ્સની આખી ટુકડી આ ઓપરેશન માટે મેદાનમાં ઉતારી હતી.
બે પાયલોટનો બચાવ: એક મિશન ગુપ્ત રખાયું હતું
ટ્રમ્પે એક ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં આ બીજા પાયલોટનું રેસ્ક્યૂ છે. અગાઉ એક અન્ય પાયલોટને પણ બચાવવામાં આવ્યો હતો, પરંતુ ઓપરેશનની ગુપ્તતા જાળવવા અને બીજા પાયલોટની સુરક્ષાના હેતુથી તે સમાચાર અત્યાર સુધી છુપાવી રાખવામાં આવ્યા હતા. અમેરિકાના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે દુશ્મનના પ્રદેશમાં ઉંડે સુધી જઈને બે અલગ-અલગ પાયલોટને સુરક્ષિત પાછા લાવવામાં આવ્યા હોય.
'અમે અમારા સૈનિકોને ક્યારેય એકલા નથી છોડતા'
આ સફળતા પર ગર્વ વ્યક્ત કરતા ટ્રમ્પે કહ્યું કે, "આ ઓપરેશનમાં આપણો એક પણ સૈનિક શહીદ થયો નથી કે કોઈને ઈજા પહોંચી નથી. આ આપણી હવાઈ તાકાત અને સૈન્ય કુશળતાનો પુરાવો છે." બચાવવામાં આવેલા પાયલોટને સામાન્ય ઈજાઓ થઈ છે, પરંતુ હાલ તેમની તબિયત સુધારા પર છે. ટ્રમ્પે તમામ અમેરિકનોને આ વિજયમાં સહભાગી થવા અપીલ કરી હતી અને સૈનિકોને 'ઈસ્ટર'ની શુભેચ્છાઓ પાઠવી હતી.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
