તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
જામનગરમાં કાયદો અને વ્યવસ્થાનું કડક શાસન : આઈ.જી. નિર્લિપ્ત રાયે અસલમ ખીલજી અને અલ્તાફ ખફી ગેંગના ૩૦ સાગરીતો પર ગુજસીટોક ઠોકી બેસાડ્યો : માથાભારે તત્વોમાં ફફડાટ
પટણીવાડમાં થયેલા સશસ્ત્ર સંઘર્ષ અને ફાયરિંગ બાદ રણચંડી બનેલી પોલીસે વહેલી સવારથી મેગા કોમ્બિંગ હાથ ધરી પૂર્વ વિપક્ષી નેતા સહિત ૯ આરોપીઓને દબોચી લીધા : ભૂગર્ભમાં ઉતરેલા ગુનેગારોને શોધવા ચક્રો ગતિમાન

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:જામનગર શહેરના હાર્દ સમાન અને અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં આતંકનો પર્યાય બનેલા ગુંડા તત્વોની શાન ઠેકાણે લાવવા માટે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે ઓપરેશન ક્લીન સ્વીપ હાથ ધર્યું છે. જામનગરના પટણીવાડ વિસ્તારમાં તાજેતરમાં બે જૂથો વચ્ચે થયેલી ખૂની અથડામણ અને ખુલ્લેઆમ ફાયરિંગની ઘટનાને પગલે આઈ.જી. રાયે તાબડતોબ જામનગર પહોંચી ગુનેગારોને પાંજરે પૂરવા માટે ગુજસીટોક (GUJCTOC) જેવા કડક કાયદાનો શસ્ત્ર તરીકે ઉપયોગ કર્યો છે. રાજકોટ રેન્જમાં કાર્યભાર સંભાળ્યાના માત્ર ૧૦ દિવસમાં જ નિર્લિપ્ત રાયે જામનગરમાં કરેલી આ પ્રથમ અને મોટી કાર્યવાહીથી ગુનાખોરી આચરતા તત્વોમાં ધ્રુજારી છૂટી ગઈ છે.
વોર્ડ નં. ૧૨ માં સક્રિય બે ગેંગનો સફાયો:
શહેરના પટણીવાડ અને આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી પોતાનું વર્ચસ્વ જમાવીને બેઠેલી બે મુખ્ય ગેંગ પર પોલીસનો હથોડો પડ્યો છે. આ કાર્યવાહીમાં પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીની આગેવાની હેઠળની ગેંગ અને અલ્તાફ ખફી તથા તેના સાગરીતોની ગેંગનો સંપૂર્ણપણે સફાયો કરવા પોલીસે કમર કસી છે. આ બંને ગેંગના કુલ ૩૦ જેટલા નામચીન શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પટણીવાડ વિસ્તારમાં આતંક મચાવતી આ બંને ગેંગ પર કાયદાકીય સકંજો કસાતા જ અન્ય અસામાજિક તત્વો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
વહેલી પરોઢે પોલીસનું મેગા સર્ચ ઓપરેશન:
આઈ.જી. નિર્લિપ્ત રાયની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ જામનગર પોલીસે વ્યૂહાત્મક આયોજન કરી વહેલી સવારથી જ આખા પટણીવાડ વિસ્તારને કિલ્લામાં ફેરવી દીધો હતો. મોટી સંખ્યામાં પોલીસ કાફલો રસ્તા પર ઉતરી આવતા અચાનક આવેલી આ આફતથી ગુનેગારોમાં નાસભાગ મચી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે અસલમ ખીલજી સહિત તેના ૯ સાગરીતોની ધરપકડ કરી લીધી છે. બીજી તરફ, અલ્તાફ ખફી અને તેની ગેંગના સાગરીતો હાલ જેલના સળિયા પાછળ હોવા છતાં, કાયદાની વધુ કડક કલમો હેઠળ તેમની સામે જેલમાંથી જ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.
દસ જ દિવસમાં આઈ.જી.ની ત્રીજી મોટી સ્ટ્રાઈક:
રાજકોટ રેન્જ આઈ.જી. તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયે ગુનેગારો સામે સતત આક્રમક વલણ અપનાવ્યું છે. ૧૦ દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર રેન્જમાં આ તેમની ત્રીજી ગુજસીટોકની કાર્યવાહી છે, જ્યારે જામનગર જિલ્લામાં આ પ્રથમ વખત છે. જામનગરના પટણીવાડમાં થયેલી અશાંતિ બાદ આઈ.જી.એ સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક કરી, વહેલી સવાર સુધી જાગીને ઓપરેશનની રણનીતિ ઘડી હતી. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી જામનગરની જનતામાં સુરક્ષાની ભાવના પ્રબળ બની છે અને શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં પણ ફરાર અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે જિલ્લાભરમાં તપાસ તેજ કરવામાં આવી છે.
(3:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
