<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

અમેરિકામાં ઈંધણના ભાવ ભડકે બળ્યા: યુદ્ધની આગમાં સામાન્ય જનતા હોમાઈ, મોંઘવારીનો હાહાકાર

ઈરાન સંઘર્ષને પગલે ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર થતા પેટ્રોલ-ડીઝલમાં તોતિંગ વધારો, એમેઝોન અને યુએસ પોસ્ટલ સર્વિસે ડિલિવરી પર ફ્યુઅલ સરચાર્જ ઝીંકતા જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘીદાટ બની

વોશિંગ્ટન : મધ્ય પૂર્વમાં છેડાયેલા ભયાનક યુદ્ધની આર્થિક અસરો હવે સાત સમંદર પાર અમેરિકાના ખૂણેખૂણે અનુભવાઈ રહી છે. યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકામાં પેટ્રોલના ભાવમાં પ્રતિ બેરલ 1 ડોલરથી વધુનો ઉછાળો આવતા શુક્રવારે કિંમત 4.09 ડોલરના સ્તરે પહોંચી ગઈ છે, જે ઓગસ્ટ 2022 પછીની સૌથી ઉચ્ચતમ સપાટી છે. માત્ર પેટ્રોલ જ નહીં, પરંતુ ડીઝલના ભાવ પણ એક વર્ષમાં 3.64 ડોલરથી વધીને 5.53 ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે. આ ભાવવધારાને કારણે ટ્રાન્સપોર્ટ કંપનીઓ પર આર્થિક બોજ વધ્યો છે, જેનો સીધો માર હવે ગ્રાહકો પર પડી રહ્યો છે. પીટીઆઈના અહેવાલ મુજબ, ડીઝલના આસમાની ભાવે ખેતી, બાંધકામ અને પરિવહન ક્ષેત્રની કમર તોડી નાખી છે, જેના કારણે અમેરિકામાં મોંઘવારી ચારેબાજુ ફેલાઈ ગઈ છે.

વધતા ઈંધણ ખર્ચને પહોંચી વળવા માટે દિગ્ગજ ઈ-કોમર્સ કંપની એમેઝોને આગામી 17 એપ્રિલથી થર્ડ પાર્ટી સેલર્સ પર 3.5 ટકા ફ્યુઅલ સરચાર્જ લાદવાની જાહેરાત કરી છે. બીજી તરફ, યુએસ પોસ્ટલ સર્વિસે પણ પેકેજ અને એક્સપ્રેસ મેઈલ ડિલિવરી પર 8 ટકા જેટલી માતબર ઈંધણ ફી લાગુ કરી દીધી છે. જેપી મોર્ગનના અહેવાલ મુજબ, રિફાઈન્ડ ઈંધણની આ અછત મે મહિનાના અંત સુધી યથાવત રહેવાની આશંકા છે, જેમાં કેલિફોર્નિયા જેવા મોટા રાજ્યોમાં સૌથી વધુ કટોકટી સર્જાઈ શકે છે. કંપનીઓ હવે વધારાનો ખર્ચ પોતે વેઠવાની જગ્યાએ ગ્રાહકોના ખિસ્સામાંથી વસૂલ કરી રહી છે, જેનાથી સામાન્ય અમેરિકન નાગરિકોનું બજેટ ખોરવાયું છે.

યુદ્ધના કારણે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) પર અવરજવર વર્ચ્યુઅલી બંધ જેવી થઈ ગઈ છે, જે ઊર્જા સંકટનું મુખ્ય કારણ બન્યું છે. આ સાંકડી સમુદ્રધૂની બંધ થવાથી ક્રૂડ ઓઈલથી લઈને એલપીજી (LPG) ના પુરવઠા પર પ્રતિકૂળ અસર પડી છે. જો યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત નહીં થાય, તો માત્ર અમેરિકા જ નહીં પરંતુ ભારત સહિતના એશિયન દેશોએ પણ ગંભીર ઊર્જા સંકટનો સામનો કરવો પડી શકે છે. ભારત માટે ખાસ કરીને એલપીજીના મોરચે મુશ્કેલીઓ વધી શકે છે. હાલમાં વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ 100 ડોલર પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂક્યું છે, જે આગામી દિવસોમાં વિશ્વના અર્થતંત્ર માટે મોટા જોખમના એંધાણ આપી રહ્યું છે.

(3:44 PM IST)