તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 5th April 2026
મહિલા સુરક્ષામાં બજેટના નામે મીંડું: "દરેક ₹100 માંથી માત્ર 60 પૈસા જ ખર્ચાય છે," રાહુલ ગાંધીના પ્રહાર
મોદી સરકારના મહિલા સશક્તિકરણના દાવાઓ સામે વિપક્ષી નેતાએ ઉઠાવ્યા તીખા સવાલ, વન સ્ટોપ સેન્ટર્સની કથળતી હાલત અને સ્ટાફની અછત મુદ્દે સરકારને સંસદમાં ઘેરીને આંકડાકીય માયાજાળનો કર્યો પર્દાફાશ

નવી દિલ્હી : દેશમાં મહિલાઓની સુરક્ષા અને તેમના ઉત્થાન માટે થતી મોટી વાતો વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા સુરક્ષા વ્યવસ્થાને માત્ર 'કાગળ પરનો વાઘ' ગણાવી છે. રાહુલ ગાંધીએ પોતાની વોટ્સએપ ચેનલ પર એક પોસ્ટ શેર કરીને સરકારની પ્રાથમિકતા સામે સવાલ ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને ફાળવવામાં આવતા દર ૧૦૦ રૂપિયાના બજેટમાંથી 'વન સ્ટોપ સેન્ટર્સ' (OSC) પાછળ માત્ર ૬૦ પૈસા જ ખર્ચવામાં આવે છે. રાહુલના મતે, આ આંકડો જ દર્શાવે છે કે સરકાર મહિલા સુરક્ષા પ્રત્યે કેટલી ગંભીર છે. સંસદમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં જ્યારે સરકારે બધું 'સંતોષકારક' હોવાનું જણાવ્યું ત્યારે રાહુલે ઉગ્રતાથી પૂછ્યું હતું કે જો બધું બરાબર છે, તો જમીની સ્તરે પાંચમાંથી ત્રણ મહિલાઓ મદદ મેળવવામાં નિષ્ફળ કેમ જાય છે?
લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, રાહુલ ગાંધીએ વન સ્ટોપ સેન્ટર્સની કાર્યક્ષમતા, સ્ટાફની અછત અને ૨૪ કલાકની સેવાની સત્યતા વિશે તીખા પ્રશ્નો પૂછ્યા હતા. વન સ્ટોપ સેન્ટર એ એક એવી વ્યવસ્થા છે જ્યાં હિંસાનો ભોગ બનેલી મહિલાઓને તબીબી સહાય, પોલીસ મદદ અને કાનૂની માર્ગદર્શન એક જ છત નીચે મળે છે. રાહુલનો આરોપ છે કે આ કેન્દ્રો આજે સ્ટાફ અને સંસાધનોના અભાવે લાચાર બન્યા છે, જેના કારણે કટોકટીના સમયે મહિલાઓને જરૂરી મદદ મળવાને બદલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિપક્ષી નેતાએ દલીલ કરી હતી કે જ્યારે દેશના ખૂણેખૂણેથી ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે સરકાર તેને અવગણીને માત્ર આંકડાકીય સંતોષ માની રહી છે.
બીજી તરફ, સરકાર વતી રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરે સંસદમાં જણાવ્યું હતું કે આ કેન્દ્રો 'મિશન શક્તિ'નો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ૨૦૧૫ થી અત્યાર સુધી અંદાજે ૧૩.૩૭ લાખ મહિલાઓને સહાય પહોંચાડવામાં આવી છે. સરકારનો દાવો છે કે નીતિ આયોગે ૨૦૨૦ અને ૨૦૨૫ માં કરેલી સમીક્ષામાં આ કેન્દ્રોનું પ્રદર્શન ઉત્કૃષ્ટ જોવા મળ્યું હતું. સરકારના મતે, આ કેન્દ્રોના સંચાલન માટે રાજ્ય સરકારો જવાબદાર છે અને કેન્દ્ર દ્વારા સતત નવા કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે. જોકે, રાહુલ ગાંધીએ આ જવાબોને જનતાની સમસ્યાઓ પ્રત્યે સરકારના 'આંખ આડા કાન' ગણાવ્યા છે. આગામી દિવસોમાં આ બજેટ કાપ અને સુરક્ષાના વાસ્તવિક અમલીકરણ મુદ્દે રાજકીય જંગ વધુ તેજ બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
